જયેશ ભોજાણી/ગોંડલ :સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડએ નાણાંકીય વર્ષ 21- 22 માં રૂ. 2361 લાખની જંગી આવક કરીને રાજ્યની માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો છે. આગામી વર્ષોમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડની આવકને દેશના પ્રથમ નંબરે લઈ જવા ચેરમેન દ્વારા સપનુ સેવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ 20-21 નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ગોંડલ માર્કેટીંગ યાર્ડની આવક રૂ. 2361 લાખ થવા સાથે સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવ્યો છે. સાથે સાથ ગોંડલ માર્કેટિંગ યાર્ડ રૂપિયા 1531 લાખની બચત કરી છે અને યાર્ડનું ભંડોળ રૂ. 7932 લાખ થયું છે. જ્યારે દાયકાઓથી પ્રથમ રહેતું ઊંઝા માર્કેટિંગ યાર્ડની આવક 2329 લાખ થતા તે બીજા નંબરના સ્થાને ધકેલાયું છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ 2198 લાખ સાથે ત્રીજા નંબરે અને સુરત 1799 લાખ સાથે ચોથા નંબરે પહોંચ્યું છે. 


આ પણ વાંચો : કટોકટીમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા : પંજાબી વેશ ધારણ કર્યો, પણ પકડાયા વગર ગુપ્ત રીતે કામ કર્યું   


સૌરાષ્ટ્ર ઝોનમાંથી ગુજરાત ઝોનમાં અગ્રસ્થાને પહોંચેલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવક અંગે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો રહ્યો છે. ચણાની સિઝનમાં રોજ આશરે ૩૫૦૦૦ બોરીનું વેચાણ થઈ રહ્યું હતું. જેની સામે લસણ અને ડુંગળીના ભાવ નીચા રહ્યા હતા. જો ડુંગળી અને લસણના ભાવ થોડા વધારે હોત તો હજી વધુ 5 કરોડની આવક વધી થઇ હોત. 


આ પણ વાંચો : 



ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લસણ અને ડુંગળી માં સહાય કરવામાં આવી હતી તેથી ખેડૂતોને રાહત મળી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ પૂરતું જ અગ્રીમ બની ન રહે અને આગામી વર્ષોમાં દેશનું અગ્રિમ બની રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને દેશ-વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે તેવું તેમણે જણાવ્યું. 


ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિત ની 55 થી પણ વધુ જણસીઓ લઈને આવે છે અને તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં માલની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.