ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉનાળામાં ઘણી જગ્યાએ પાણીની સમસ્યા થતી હોય છે. પાણીની અછતને કારણે ખેડૂતોએ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. ક્રમશ: તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદવહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.


વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ/તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં કરવામાં આવ્યું છે. હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ તહેવારો પર ગુજરાતમાં થઈ જશે પાણી-પાણી, અંબાલાલ, પરેશ ગોસ્વામી અને હવામાનની આગાહી


ઉત્તર ગુજરાત માટે પણ લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.