Gujarat Rain : હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા
Gujarat Rain : ચોમાસાના આરંભે ડેમ છલકાયા... રાજ્યના 207 જળાશયો 43 ટકા ભરાયા... ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમ સૌથી વધુ ભરાયા... સૌરાષ્ટ્રના 10 ડેમ ઓવરફ્લો થયા... અમરેલીના મોટાભાગના ડેમ છલકાઈ ગયા... સરદાર સરોવર ડેમ 55 ટકા ભરાયો
Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત મેઘમહેર થઈ રહી છે, ત્યારે સારી વાત એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ ઘણા જળાશયો છલકાઈ ગયા છે. જળાશયોમાં 45 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર 55 ટકાથી વધી ગયું છે. આ સ્થિતિમાં ચોમાસાના પહેલા રાઉન્ડ બાદ જો વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોને વાંધો આવે તેમ નથી.
ગુજરાતના આ એ જળાશયો છે, જે હજુ એક સપ્તાહ પહેલા તળિયાઝાટક હતા કે પછી તેમાં નામ પૂરતું પાણી હતું. જો કે ચોમાસાની એન્ટ્રીના એક સપ્તાહમાં જ મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે, કે પછી છલકાવાની અણી પર છે. આ દ્રશ્યો સમગ્ર ગુજરાતને રાહત અપાવે તેવા છે. કેમ કે ડેમ જીવાદોરી છે.
એક સપ્તાહના વરસાદમાં જ રાજ્યના 207 જળાશયોમાં 43 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના 15 ડેમ છલકાયા છે. 16 જળાશયોમાં 90 ટકાથી વધારે પાણી આવ્યું છે. 12 જળાશયોમાં પાણીનો જથ્થો 80થી 90 ટકા છે. 11 જળાશયોમાં 70થી 80 ટકા પાણી છે, જ્યારે 167 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.
ક્ષેત્ર પ્રમાણે ડેમના જળસ્તર પર નજર કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમથી વધુ ભરાયા છે. નવાઈની વાત એ છે કે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડ્યો છે.
કચ્છના 20 ડેમ 55 ટકા જેટલા ભરાયા છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47 ટકાથી વધુ પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 ડેમ 38 ટકા જેટલા ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35 ટકા પાણી છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમનું જળસ્તર 31 ટકા જેટલું થયું છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 54 ટકા થઈ છે.
સૌરાષ્ટ્રમાં સતત મેઘમહેર વચ્ચે 10 ડેમ નવા ઓવરફ્લો થયા છે. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ અત્યારથી જ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. રંગમતી ડેમ પણ ઓવરફ્લો થયો છે. જિલ્લાના લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ચાર દિવસ સુધી સતત વરસાદ થતા અમરેલીના વડિયાનો સુરવો ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલીને સતત પાણીનો નિકાલ થઈ રહ્યો છે. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જિલ્લાને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ગિરનારના જંગલો વચ્ચે આવેલો હસનાપુર ડેમ છલકાતાં નયમરમ્ય નજારો સર્જાયો છે.
જૂનાગઢના માળિયા-હાટીનાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ, વિસાવદરનો અંબાજળ ડેમ અને ભેંસાણનો ઉબેણ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમની જળસપાટી વધતા નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમ હજુ 55 ટકા જેટલો ભરાયો છે, ત્યારે તેની નજીક આવેલો ગરુડેશ્વરનો વિયર કેમ કોઝ-વે ઓવરફ્લો થઈ ગયો છે. ચોમાસાના મધ્યમાં જોવા મળતો નજારો ચોમાસાની શરૂઆતમાં જોવા મળ્યો છે.
સતત વરસાદ વચ્ચે સુરતના માંડવીનો કાકરાપાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. તાપી નદી પરનો આ ડેમ કાકરાપાર અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.