ગાંધીનગરઃ સરકારે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે વધુ તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા જુદા જુદા જિલ્લાઓમાંથી માંગ ઉઠી છે. જેને લઈને સરકારે વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા કે નહીં તેને લઈને બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં 12 ઈંચ એટલે કે 300 મીલીમીટર વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આવા તાલુકાઓની વિગતો જુદા જુદા જિલ્લાઓમાંથી મંગાવવામાં આવી છે. ત્યારે જો આ નિર્ણય લેવાશે તો વધુ 25 જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાઈ શકે છે. સીએમની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.