હિતલ પારેખ\ ગાંધીનગર: વિધાનસભા ખાતે નિયમ 44 હેઠળ હેલ્થ પરમિટ ધારકો માટે પરમિટ અંગેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નશાબંધીના ચુસ્ત અમલ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કડક હાથે પગલા લીધા છે. હેલ્થ પરમિટ મેળવવા માટે હાલ રાજ્યમાં 26 એરીયા મેડીકલ બોર્ડની જોગવાઇ છે અને તેમા પારદર્શીતા લાવવા માટે આ જોગવાઇ રદ કરીને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા ખાતે છ નવા એરીયા મેડીકલ બોર્ડ કાર્યરત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિધાનસભા સત્રમાં નશાબંધી ધારામાં સુધારો કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેના ઘણા સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હેલ્થ આધારીત પરમિટ મેળવતા પરમિટ ધારકો માટે પણ નવા નિયમો બનાવાયા છે. જેના પરિણામે પરમિટ ધારકોની સંખ્યામાં પણ નિયંત્રણ લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.


આ નવા નિયમો મુજબ હેલ્થ પરમિટ મેળવવા માટે અત્યાર સુધી અરજદારે અરજી સાથે ખાનગી તબીબીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતુ હતુ તે જોગવાઇ રદ કરી છે. હવે ખાનગી તબીબનું પ્રમાણપત્ર ચાલશે નહી. હાલ એરીયા મેડીકલ બોર્ડમાં સુપરિન્ટેન્ડન્ટ કક્ષાના એક અધિકારીના અભિપ્રાયના આધારે પરમિટ અપાતી હતી તેના બદલે નવા એરીયા મેડીકલ બોર્ડના આધારે નવી પરમિટ મળશે કે રીન્યુ કરાશે.


ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ પરમિટ મેળવવા માટે હાલ રાજ્યમાં 26 એરીયા મેડીકલ બોર્ડની જોગવાઇ છે. તેમા પારદર્શીતા લાવવા માટે આ જોગવાઇ રદ કરીને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા ખાતે 6 નવા એરીયા મેડીકલ બોર્ડ કાર્યરત કરાશે.


આ 6 નવા એરીયા મેડીકલ બોર્ડ પર ત્યાં જે તે જિલ્લાના લોકોએ ઝોનવાઇઝ પ્રોસેસ કરવાની રહેશે. આ બોર્ડમાં સભ્ય તરીકે રીજયોનલ ડેપ્યુટી ડાયરેકટર, મેડીકલ સુપ્રીટેન્ડન્ટ અને પૂર્ણ કાલીન એચ.ઓ.ડી. મેડીસીન મેડીકલ કોલેજનો સમાવેશ કરાયો છે. જે ત્રણેયનો અભિપ્રાય મેળવવાનો અનિવાર્ય રહેશે. હેલ્થ પરમીટ માટેની પ્રોસેસ ફીની નવી જોગવાઇ રૂા. 2,000 દાખલ કરવામાં આવી છે. તેમજ, આરોગ્ય ચકાસણી ફી રૂા. 2,000 કરવામાં આવી છે.


આ ઉપરાંત રાજ્ય મેડીકલ બોર્ડની પણ પુન: રચના કરાઇ છે. જેમાં અધિક નિયામક તબીબી સેવાઓ, ગાંધીનગર મેડીકલ કોલેજના ડીન, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદના મેડીસીનના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તથા નશાબંધી અને આબકારી કચેરીના નાયબ નિયામકનો સમાવેશ કરાયો છે. ઝોનમાંથી પરમિટ ધારકોને કોઇ પ્રશ્ન હોય તો તેને અપીલ માટે રાજ્ય કક્ષાએ આ બોર્ડમાં રજૂ કરવુ પડશે આ માટેની ફી રૂા. 5,000 નિયત કરાઇ છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.