પ્રાથમિક શિક્ષકોની હડતાળ સામે ઝૂકી સરકાર, 3 મંત્રીઓની કમિટીની રચના કરી
પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓને લઇને આજે માસ સીએલ પર ઉતરી ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જોકે અહીં પોલીસે અટકાવતાં ઘર્ષણ થયું હતું અને શિક્ષકોએ સરકાર વિરૂધ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેથી ત્રણ કલાક સુધીની ભારે ધમાચકડી બાદ છેવટે શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની એક કમિટી બનાવાની જાહેરાત કરી છે.
હિતલ પારેખ/ગાંધીનગર : પ્રાથમિક શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.
શિક્ષકોના હલ્લાબોલ વિરોધ પ્રદર્શન સામે ઝૂકતા આખરે સરકારે બપોરે દોઢ કલાકે શિક્ષકો સંઘના પ્રમુખો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક રાજ્યશિક્ષણ સંઘની સરકારની રચેલી સમિતિ સાથે કરવામાં આવશે.
પોતાની માંગણીઓને પગલે શિક્ષકોએ આજે વિધાનસભાને ઘેરાવ કરવાનો નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચ્યા હતા. શિક્ષકો વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા હતા. તો બીજી તરફ, વિરોધ કરી રહેલા 2000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. પણ તેમના આ વિરોધનો સૂર સરકારના કાનમાં પહોંચ્યો હતો. તેમના વિરોધ સામે ઝૂકેલી સરકારે કહ્યું કે, પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.
ગુજરાત સરકાર ભીંસમાં : વિધાનસભા બહાર શિક્ષકોનો ઉગ્ર વિરોધ, 1000થી વધુની અટકાયત
મુખ્યમંત્રીએ કર્મચારી મંડળોઓને પણ અનુરોધ કર્યો છે કે, સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે, ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે. આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું હિત જળવાય તે હેતુથી આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી છે.
Video : વિધાનસભાની બહાર પોલીસે ટીંગાટોળી કરીને શિક્ષકોની કરી અટકાયત
આંદોલનને કોંગ્રેસ સમર્થન આપ્યું
શિક્ષકોના આ આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. જેમ જેમ આંદોલન આગળ વધી રહ્યું છે, તેમ તેમ શિક્ષકો પોતાના વિચારો પર અડગ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં શિક્ષકોના સપોર્ટમાં વિધાનસભાની બહાર પહોંચ્યા હતા. તો બીજી તરફ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ શિક્ષકોના સમર્થનમાં પહોંચ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે. જોકે, શિક્ષકોના સમર્થનમાં આવેલા વિપક્ષના નેતાને પોલીસે ધક્કે ચઢાવ્યા હતા.
શિક્ષણમંત્રીએ શિક્ષકોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો...’