• હરણી કાંડ બાદ ગુજરાત સરકાર આવી છે એક્શન મોડમાં

  • કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો

  • શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ બહાર પાડશે ગાઈડલાઈન્સ

  • નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી


ઝી બ્યૂરો, અમદાવાદઃ કોઈ પણ સ્કૂલો હાલ બાળકોને નહીં લઈ જઈ શકે પ્રવાસમાં. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલાં શાળાઓએ જાણી લેવો પડશે સરકારનો આદેશ. વડોદરાના હરણી બોટકાંડમાં સ્કૂલના વિદ્યાર્થીઓનો ડૂબી જવાને કારણે જીવ ગયો હતો. આ ઘટના બાદ ગુજરાત સરકાર લઈ રહી છે કડક પગલાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન્સ તૈયાર કરાઈ રહી છે. આગામી દિવસોમાં આ નવી માર્ગદર્શિકા જાહેર કરાશે અને તેમાં નક્કી થયેલા નિયમો અનુસાર જ સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો રહેશે. જોકે, શિક્ષણ વિભાગ જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન કરે ત્યાં સુધી પ્રવાસ અંગેની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ સુત્રોએ જણાવ્યું છે. જેથી હાલમાં સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં. સરકારની નવી ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સ્કૂલોના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


શિક્ષણ વિભાગ સૂચનાઓ જારી કરશે, ત્યારબાદ જ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકાશે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14ના મોત થયા હતા. આ ઘટના બાદ શૈક્ષણિક પ્રવાસને લઈને શિક્ષણ વિભાગ વધુ સચેત બન્યું છે. શૈક્ષણિક પ્રવાસને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લા કક્ષાની કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા ખાનગી શાળાઓને સ્થાનિક પ્રવાસની મંજૂરી અપાય છે. જ્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી રાજ્ય બહારના પ્રવાસની મંજૂરી અપાય છે. 


આ બાબતે સંબંધિત પ્રભાગોના વિષયો- વિદ્યાર્થીઓના વયજૂથને ધ્યાને લઈને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી માટે પ્રવર્તમાન નિયમો-જોગવાઇઓ મુજબ વિગતવાર નવી સૂચનાઓ શિક્ષણ વિભાગના સંબંધિત વહીવટી પ્રભાગો દ્વારા સત્વરે પરિપત્રિત કરવાની રહેશે. 


જેને પગલે હવે પછીથી પ્રવાસની મંજૂરી આપનાર સંબંધિત અધિકારીએ પ્રવાસની મંજૂરી અંગે નિર્ણય કરવાનો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરનાર હોવાથી હવેથી શિક્ષણ વિભાગનો પરિપત્ર થયેથી પ્રવાસની મંજૂરી આપવાની થાય છે. જેથી શિક્ષણ વિભાગની જરૂરી વિગતવાર અદ્યતન સૂચનાઓ જારી થયા બાદ જ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્રથી જાણ કરવામાં આવશે. ત્યાં સુધી પ્રવાસના આયોજન અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે નહીં.