બાગાયતી ખેતી કરતા ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ યોજના! જાણો કેવી રીતે મળશે લાભ?
ગુજરાતના ખેડૂતો સમય જતાં ખેતીમાં અનેક નવા જુની કરતા હોય છે. રાજ્યમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યો છે.
ઝી બ્યુરો / ગાંધીનગર : રાજ્યના કૃષિ રાજય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગાયતી પાકોની ગુણવત્તા જળવાઈ રહે અને બાગાયતી પાકોની નિકાસ થાય એ માટે રાજ્યમાં રાયપનીંગ એકમો ઉભા કરવા આર્થિક સહાય આપવાનો નિર્ણય કરી આ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં છેલ્લા વર્ષમાં રાયપનીંગ એકમ સ્થાપવા માટે રૂ. 47.09 લાખની સહાય ચુકવાઈ છે.
ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય મળે
વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનીંગ એકમ સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એ.પી. એમ.સી.,સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો,નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે.
300 ટનની મર્યાદામાં રૂ. 225 લાખની સહાય
આવા એકમ સ્થાપવા માટે સહાયના ધોરણો અંગેના પૂરક પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ 50, હજાર ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં રૂપિયા 150 લાખ, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ 65 હજાર ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં રૂ 195 લાખની સહાય એ જ રીતે એ.પી.એમ.સી., સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકાઓ રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠન અંતર્ગત સામાન્ય વિસ્તારમાં પ્રતિ 60 હજાર ટનની મર્યાદામાં 300 ટન સુધી રૂ. 180 લાખ અને આદિજાતિ વિસ્તારમાં 75 હજાર પ્રતિટન. મહત્તમ સુધી 300 ટનની મર્યાદામાં રૂ. 225 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે.
ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો?
બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા, કેરીને ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકવવા માટે રાયપનીંગ ચેમ્બર ઉભા કરવામાં આવે છે. જેના પરિણામે ફળનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે અને સમયસર પાકવાની લીધે ગુણવત્તા યુક્ત ફળો પાકે છે જેના કારણે સારા ભાવો મળે છે અને ખેડૂતોને સારો ફાયદો થાય છે.
કેવી રીતે મળશે આ યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ બેંકની વિસ્તૃત વિગતો સાથે અરજી કરવાની હોય છે. જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણ કરવાની હોય છે અને રાજ્ય કક્ષાએથી યોગ્ય ચકાસણી બાદ ખેડૂતને D.B.T. દ્વારા સહાય એમના ખાતામાં જમા કરાવાય છે.