ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આજનો શનિવાર 7 લોકો માટે ગોઝારો સાબિત થયો છે. જેમાં વલસાડમાં ડોલમાં ડૂબી જતાં બાળકનું મોત થયું છે, ત્યારબાદ અમદાવાદમાં ટાંકીમાં ડૂબતાં બાળકનું મોત અને બોટાદમાં તળાવ ડૂબતાં 5 આશાસ્પદ યુવકોનાં મોત થયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદમાં તળાવ ડૂબતાં 5 આશાસ્પદ યુવકોનાં મોત
આ તમામ ઘટનાની વિગતો જાણીએ તો બોટાદના કુષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે પાંચ જેટલા યુવાનો ગયો હતો, પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય યુવાનો કોઈકારણોસર ડૂબી જતા તેમના કરૂણ મોત નિપજ્યા છે. પાંચેય તરુણ અને યુવાનો  કુષ્ણ સાગર તળાવમાં ન્હાવા ગયા હતા અને ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.


એસપી સહિતનો પોલીસ કાફલો બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ ઘટનામાં ભોગ બનનાર તમામ તરૂણ અને યુવાનો બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચીને તળાવમાંથી તેમના મૃતદેહો શોધવાની કામગીરી આરંભી છે.


વલસાડમાં ડોલમાં ડૂબી જતાં બાળકનું મોત
ગુજરાતમાં આજનો દિવસ ભારે જણાઈ રહ્યો છે. વલસાડમાં એક દોઢ વર્ષની બાળકી ડોલમાં પડી જતાં તેનું કરૂણ મોત નિપજ્યું છે. વલસાડના પારડીના નાના વાઘછીપા ગામે આ દુ:ખદ ઘટના બની છે. જેમાં માહિતી મળી રહી છે કે, ઈંટના ભઠામાં કામ કરતા શ્રમિક પરિવારની દોઢ વર્ષની લાડલીનું મોત થયું છે. ભાઈ બહેનો સાથે દોઢ વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે રમતા રમતા બાળકી ડોલમાં ઉંધી પડી હતી. બીજી બાજુ ડોલ પાણીથી ભરેલી હતી, જેના કારણે બાળકી ઉંઘી પડતા તે બેઠી થઈ શકી નહોતી અને તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદમાં ટાંકીમાં ડૂબતાં બાળકનું મોત
બીજી બાજુ, અમદાવાદના અસારવા હોળી ચકલા પાસેની ચાલીમાં પણ એક દુખદ ઘટના બની છે. જેમાં સોહમ ભરતભાઈ પટણી નામનો બે વર્ષનો બાળક અકસ્માતે ઘરની પાણીની ટાંકીમાં સવારે ગરકાવ થઈ ગયો હતો. ત્યારબાદ પરિજનોને ખબર પડતાં તેણે બહાર કાઢીને સૌ પ્રથમ અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં કલાકો બાદ તેને લઈને નજીકની ખાનગી ઝીલ હોસપિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઝીલ હોસ્પિટલે તેને અન્યત્ર લઈ જવાનું કહેતાં બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 


ચાર વખત સુધી બાળકમાં જીવ છે તેમ સમજી ચાર હોસ્પિટલમાં દોડધામ કરતા પરિજનોને આખરે ખાનગી તબીબે મૃત જાહેર કરતા અંતે પરિજનો ભારે હૈયે દીકરાને ઘરે લાવ્યા હતા અને તેના અંતિમવિધીમાં લાગ્યાં હતા. હજુ 10 દિવસ પહેલા જ માર્ગ અકસ્માતમાં મૃતકના સગા કાકા મૃત્યું પામ્યા હતા. તેઓના બારમાંની વિધીની તૈયારી કરતા પરિવારમાં આ બે એક વર્ષના બાળકનું પણ મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. એક જ પરિવારમાં 10 દિવસના ટુંકા ગાળામાં બે બે મૃત્યુ થતા સમગ વિસ્તારની ચાલીમાં રહેતા લોકોમા અરેરાટી વ્યાપી ગઈ છે.