એપ્રિલ મહિનાના સૌથી મોટા અપડેટ : GPSC અને માહિતી ખાતાની પરીક્ષાઓ મોકૂફ રખાઈ
- કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે એપ્રિલ મહિનામાં યોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવે પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે
હિતલ પારેખ/ગાંધીનગર :આગામી સમયમાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્કની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. તો સાથે જીપીએસસીની એપ્રિલ મહિનામાં લેવાના તમામ પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે એપ્રિલ મહિનામાં યોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવે પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) - એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી. પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા અમારી વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.