ગ્લેમરસ ચૂંટણી : સરપંચની ચૂંટણી લડનાર એશ્રા પટેલે કર્યુ મતદાન, કહ્યું-મારે અહીંના લોકો માટે જીતવુ છે
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (gujarat election) માટે મતદાન થઈ રહ્યું છે. સરપંચ પદ માટે અનેક નામી અનામી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઇની ગ્લેમરની દુનિયાના ગલિયારાઓમાંથી અચાનક ગામડાની ગલીઓમાં આવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર ખ્યાતનામ મોડેલ એશ્રા પટેલને કારણે ગામમાં મતદાન માટે મતદારોમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખુદ એશ્રા પટેલે (Aeshra Patel) વોટ આપીને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.
જમીલ પઠાણ/છોટાઉદેપુર :આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (gujarat election) માટે મતદાન થઈ રહ્યું છે. સરપંચ પદ માટે અનેક નામી અનામી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઇની ગ્લેમરની દુનિયાના ગલિયારાઓમાંથી અચાનક ગામડાની ગલીઓમાં આવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર ખ્યાતનામ મોડેલ એશ્રા પટેલને કારણે ગામમાં મતદાન માટે મતદારોમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખુદ એશ્રા પટેલે (Aeshra Patel) વોટ આપીને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.
કાવીઠાના મતદાન મથક ઉપર પુરુષ અને મહિલા બંને મતદારોની લાંબી કતારો જોવા મળી છે. પોતાના ગામમાં એક ખ્યાતનામ મોડેલ સરપંચ પદની ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવારો દ્વારા પણ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મૂળ કાવીઠાના એશ્રા પટેલ આમ તો સ્થાનિક કક્ષાએ સામાજિક કામ કરતા રહે છે. તેમના પિતા પણ અગાઉ સરપંચ રહી ચક્યા છે. હવે જ્યારે બિનઅનામત મહિલા બેઠક જાહેર થઈ હોવાથી એશ્રા પટેલે સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે.
વોટ આપીને તેમણે કહ્યું હતું કે, હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે અહીંના લોકો માટે જીતવુ છે.
એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે.
કોણ છે એશ્રા પટેલ
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.
ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.