ચેતન પટેલ/સુરત :સુરતના તાપી રિવરફ્રન્ટની કાયાપલટ કરવામાં આવશે. 3 હજાર 904 કરોડના ખર્ચે તાપી રિવરફ્રન્ટને આધુનિક બનાવવામાં આવશે. નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે. તાપી રિવરફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. આ માટે મનપાના અધિકારીઓ નેધરલેન્ડ, સ્પેનની મુલાકાત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદીને રૂપિયા 3,904 કરોડના ખર્ચે નવજીવન આપવામાં આવશે. સુરતની 33 કિમી લાંબી તાપી નદીના બંને કિનારાનો વિકાસ કરીને પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તાપી રિવર ફ્રન્ટને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની તર્જ પર વિકસાવવામાં આવશે. આ રિવર ફ્રન્ટ સાબરમતી રિવર ફ્રન્ટ કરતા પણ સારો હશે. કારણ કે અહીં રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા પણ વિકસાવવામાં આવશે. 


નદીના બંને કાંઠે મનોરંજન, પરિવહન અને પ્રવાસન માટેની વિવિધ સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે. વિદેશી પ્રોજેક્ટ્સની તર્જ પર આ આધુનિક વિકાસ પ્રોજેક્ટ હશે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરની સુંદરતા અને આભામાં અનેકગણો વધારો થશે. શહેરવાસીઓ અને પ્રવાસીઓને નવી સુવિધાઓ મળશે. નદીના બંને કાંઠે વિવિધ પ્રકારના છોડ વાવીને આકર્ષક બનાવવામાં આવશે. નદીના પાણી અને જમીનની વ્યવસ્થા કરીને પૂરને રોકવા માટે પગલાં લેવામાં આવશે. 


સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, નદીને સ્વચ્છ રાખવાની સાથે પ્રદૂષિત પાણીને નદીમાં આવતા અટકાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકના 1,991 કરોડના 70 ટકાની સોફ્ટ લોન મળશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા 5-5 કરોડ રૂપિયા આપશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,904 કરોડ રૂપિયા છે. ફેઝ-2માં સિંગણપોર વિયરથી કાદરી સુધી ગાર્ડન-ફ્લડ કન્ઝર્વેશનનું કામ કરવામાં આવશે. 


સિંગણપોર વિયરથી કઠોર પુલ સુધી નદીની બંને બાજુએ વોકવે, સાયકલ ટ્રેક, ગ્રીન સ્પેસ, ઓવરબ્રિજ, બગીચા, મનોરંજન પાર્ક અને અન્ય જાહેર સુવિધાઓનો વિકાસ અને પૂર સંરક્ષણ લાઇનનું નવીનીકરણ પણ કરવામાં આવશે. આ સાથે નદી કિનારે રોડ બનાવવામાં આવશે, જેનાથી લોકોને સુવિધા મળી રહેશે.