ચેતન પટેલ/સુરત: એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જોયું. સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યને હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલના કારસ્તાન બહાર આવતા જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.


હત્યા કરવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી
ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા. અને હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ હત્યા માટે અલગ સ્ટાઈલ, અને ગળું કાપવાનું પણ શીખ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. ફેનિલે હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી. 


ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે આર્ડર મોડો મળવાનો હોવાથી તેણે રિજેક્ટ કર્યો હતો, તેનો પુરાવા પણ પોલીસને ફેનિલના મોબાઈલમાંથી મળ્યો છે. ફેનિલે હત્યા માટે એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું છે.


શું રાહુલ ગાંધી દ્વારકા આવશે? 25 થી 27 દરમિયાન યોજાનાર ચિંતન શિબિરને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર


ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. 


મહત્ત્વનું છે કે, ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ કર્યું હતું, તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી શકાય તે માટે વેબસાઈટ પર હથિયાર અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, હથિયાર કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ ફેનિલે માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી, તેના પછી અનેક રહસ્યો ખૂલી રહ્યા છે.


ગ્રીષ્મા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન
21 વર્ષીય ગ્રીષ્મા વેંકરિયાની ઘાતકી હત્યા કેસમાં ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખી સુરત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. અને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનિલ ગોયાણી બનાવના દિવસે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી કયાંથી ખરીદવામાં આવી તે તમામ સ્થળે અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. ફેનિલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની પાસે ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. આ બાદ ગ્રીષ્માનો પરિવાર તેની પાછળ દોડ્યો હતો. આ જોઈ ફેનિલે પોતાના હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો. આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


ચલો સ્કૂલ ચલે હમ: બે વર્ષથી ખોવાયેલો બાળકોનો અવાજ ફરી સ્કૂલ-કોલેજોમાં ગૂંજશે, આજથી સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ


આરોપીના પિતાએ પોતાના જ પુત્રને વખોડયો
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે ફેનિલ મારો દીકરો છે પરંતુ હું કહુ છું કે અમારો સિક્કો જ ખોટો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે પણ ફરિયાદ કરી હતી. ત્યારે અમે ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે કહ્યું હતું કે હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું. પણ તે સુધર્યો નહી. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપે તો અમને મંજૂર છે. 


એકતરફી પ્રેમમાં કરી હત્યા
સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે હત્યારો ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીના મોટા પિતા દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube