અમદાવાદઃ  સરકારી કર્મચારીઓમાં ફરી જૂની પેન્શન સ્કીમની માગ ઉઠી છે. નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની સ્કીમ લાગુ કરવાની માગ સાથે આંદોલન પણ શરૂ થયું છે, ત્યારે સવાલ એ થાય છે કે આખરે સરકારી કર્મચારીઓને કેમ જૂની પેન્શન સ્કીમનો જ મોહ છે. એ કઈ બાબતો છે, જે નવી પેન્શન સ્કીમમાં નથી. આ તમામ સવાલોનાં જવાબ, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ પ્રબળ બની છે. રવિવારે દિલ્લીના રામલીલા મેદાનમાં આ માટે રેલી પણ યોજાઈ હતી. સરકારી કર્મચારીઓની માગ છે કે નવી પેન્શન યોજના રદ કરીને જૂની યોજના ફરી શરૂ કરાય.


ગુજરાતમાં પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના શરૂ કરવા ગાંધી જયંતિના દિવસથી આંદોલન શરૂ કર્યું છે. હવે સવાલ એ ઉભો થાય છે કે સરકારી કર્મચારીઓ કેમ જૂની પેન્શન યોજનાની માગ કરી રહ્યા છે. નવી અને જૂની યોજના વચ્ચે ફરક શું છે.


આ ફરક પર નજર કરીએ તો, જૂની પેન્શન સ્કીમમાં સરકારી કર્મચારીઓને પેન્શન તરીકે નિવૃત્તિ સમયના વેતનની અડધી રકમ અપાય છે. જ્યારે નવી સ્કીમમાં નિવૃત્તિ બાદ પેન્શનની કોઈ ગેરન્ટી નથી. જૂની સ્કીમમાં પેન્શન માટે સરકારી કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત નથી થતી. જ્યારે નવી સ્કીમમાં કર્મચારીના બેઝિક પગાર અને ડીએનો 10 ટકા હિસ્સો કપાય છે. જૂની યોજના બજાર આધારિત ન હોવાથી કોઈ જોખમ નથી. જ્યારે નવી યોજના શેરબજાર પર આધારિત હોવાથી તેમાં જોખમ રહે છે. જૂની પેન્શન યોજનામાં પેન્શનની ચૂકવણી સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે, જ્યારે નવી યોજનામાં કર્મચારીએ પેન્શન મેળવવા 40 ટકા NPS ફંડનું રોકાણ એન્યૂઈટીમાં કરવું પડે છે. જૂની યોજનામાં દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાની જોગવાઈ છે, જ્યારે નવી સ્કીમમાં મોંઘવારી ભથ્થામાં વધારાની કોઈ જોગવાઈ નથી. OPSમાં કરવેરાની જોગવાઈ નથી, જ્યારે NPS કરપાત્ર છે.  


આ પણ વાંચોઃ નવરાત્રિ માટે સલામતી વ્યવસ્થા, યુવાનોમાં વધતા હાર્ટ એેટેકને જોતાં આયોજકો સતર્ક


આ સરખામણીને જોતાં સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીઓ કેમ જૂની પેન્શન યોજનાની માગ કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે પાછલી વયમાં આર્થિક સલામતી માટે જૂની પેન્શન યોજના જ મદદરૂપ થઈ શકે છે. 


2004થી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજના બંધ કરી દીધી છે, તેની પાછળનું કારણ એવું અપાય છે કે OPSને કારણે સરકારી તિજોરી પર મોટું ભારણ આવે છે. જેના કારણે સરકારો પાસે વિકાસ કાર્યો માટે પૂરતું ફંડ નથી વધતું.


જો કે કેટલાક રાજ્યો એવા પણ છે, જ્યાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


મહત્વનું છે કે કોંગ્રેસ રાજ્યો અને લોકસભાની ચૂંટણી માટેના પોતાના ચૂંટણી ઢંઢેરામાં OPS લાગુ કરવાનો વાયદો અચૂક કરે છે. જે પાંચ રાજ્યોમાં OPS ફરી લાગુ કરાઈ છે, તેમાંથી ત્રણ રાજ્યો એટલે કે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube