મોરબીમાં આ ખેડૂત ચંદનની ખેતી કરી બનશે કરોડપતિ, એક એક વૃક્ષમાંથી થશે 12 લાખની આવક!
મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતે રૂટીન ખેતીને તિલાંજલી આપીને તેના ખેતરમાં ચંદનની ખેતી શરૂ કરી છે અને તેના ખેતરમાં આજની તારીખે 600 જેટલા ચંદનના ઝાડ છે હાલમાં આ ખેડૂતની આવક નહિવત છે.
હિમાંશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રની અંદર તમે હટકે કામ કરો તો તેની સો ટકા નોંધ લેવાતી હોય છે. આવી જ કઈક વાત ખેતીમાં પણ છે જો ખેડૂત રૂટિન ખેતી કરતો હોય છે, ત્યારે જેટલી મહેનત મજૂરી કરે છે તેની સામે તેને જે વળતર મળે છે. તેના કરતાં વધુ આવક ઓછી મહેનતે હટકે ખેતી કરવાથી મળતી હોય છે તે હક્કિત છે.
મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતે રૂટીન ખેતીને તિલાંજલી આપીને તેના ખેતરમાં ચંદનની ખેતી શરૂ કરી છે અને તેના ખેતરમાં આજની તારીખે 600 જેટલા ચંદનના ઝાડ છે હાલમાં આ ખેડૂતની આવક નહિવત છે. પરંતુ કહેવાય છે ને “ધીરજના ફળ મીઠા” તેમ 20 વર્ષ પછી ચંદનનું એક એક ઝાડ તેને સરેરાશ 10 થી 12 લાખ રૂપિયા આપશે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓની અંદર ખેડૂતો દ્વારા સામાન્ય રીતે કપાસ, મગફળી, એરંડા, ઘઉં વગેરેની ખેતી કરવામાં આવતી હોય છે. જોકે છેલ્લા વર્ષોમાં કેટલા ખેડૂતો રૂટિન ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને જો વાત કરીએ મોરબી તાલુકાના રાજપર ગામની તો રાજપર ગામે રહેતા સુરેશભાઈ લવજીભાઈ સનારીયાએ પોતાના ખેતરની અંદર રૂટીન ખેતી કરવાના બદલે કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો.
મોબાઇલમાં આવેલ વિડીયો જોઈને તેમાંથી પ્રેરણા લઈને તેઓએ હાલમાં પોતાના પાંચ વીઘાના ખેતરની અંદર ચંદનની ખેતી શરૂ કરી છે અને આજથી પાંચ વર્ષ પહેલા તેઓએ પોતાના ખેતરમાં ચંદનના 600 રોપાનું વાવેતર કર્યું હતું અને તે તમામ રોપા હાલમાં ઉછરી ગયા છે અને આગામી 15 વર્ષ પછી તેઓને એક એક ઝાડ 10 થી 12 લાખ રૂપિયા આપશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
સુરેશભાઈને રાજપર ગામની આસપાસના વિસ્તારમાં કુલ મળીને ૭૫ વીઘા જેટલી ખેતીની જમીન છે અને તેમાંથી તેઓએ પાંચ વીઘા જમીનમાં ચંદનની ખેતી શરૂ કરી છે અને તેના માટેના રોપા તેઓએ આજથી પાંચ વર્ષ પહેલા રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ વૃંદાવન નર્સરીમાંથી લીધા હતા અને ત્યારે એક રોપાના ૫૦ રૂપિયા લેખે તેને રૂપિયા ચુકવ્યા હતા અને ત્યારબાદ એક એક રોપાની માવજત પોતાના જીવની જેમ કરીને તેઓએ હાલમાં પોતાના ખેતરની ૬૦૦ ચંદનના ઝાડ ઊભા કર્યા છે અને તમામ ઝાડને તેઓ ટપક પદ્ધતિથી પાણી મળે તેવી વ્યવસ્થા કરે છે તે ઉપરાંત ચંદનના ઝાડમાં કોઈપણ જાતનો રોગ ન આવે તેના માટે થઈને ચણાનો લોટ, ગૌમૂત્ર અને ગોળનું મિશ્રણ કરીને જીવામૃત બનાવીને તેઑ રોપા ઉપર છંટકાવ પણ કરે છે.
હાલમાં સુરેશભાઈના પાંચ વીઘા ના ખેતરની અંદર તેઓએ ચંદનના ઝાડનું વાવેતર કર્યું છે તેની સાથે સરુંના ઝાડનું વાવેતર કર્યું છે અને આ સરુના ઝાડના લીધે ચંદનના ઝાડને યોગ્ય પોષણ મળી રહે છે હાલમાં તેઓના ખેતરની અંદર ચંદનના ઝાડ તથા સરુના ઝાડ વાવેલ છે અને દરેક વૃક્ષનો સારી રીતે વિકાસ થાય તે માટે ૧૦ ૧૦ ફૂટના અંતરે તેઓએ ચંદનના ઝાડનું વાવેતર કર્યું છે અને આ ખેતરની દેખરેખ અને જાળવણી કરવા માટે હાલમાં તેઓએ પોતાના ખેતરમાં ચાર જેટલા મજૂરોને પણ રાખેલા છે.
અત્રે ઉલેખનીય છે કે, ચંદનની ખેતીમાં રૂટીન ખેતીની જેમ દર વર્ષે આવક સામે આવીને ઊભી નથી રહેતી તેમ છતાં પણ મજૂરી કામ સહિતના ખર્ચા ચડાવવા પડતા હોય છે પરંતુ ૨૦ વર્ષે ચંદનનું ઝાડ સંપૂર્ણ વિકસી જાય અને તેનું વેચાણ કરવામાં આવે ત્યારે એક ઝાડની કિંમત અંદાજે ૧૦ લાખ જેટલી આવે છે જેથી સુરેશભાઈ ચંદનના ઝાડની પૂરેપૂરી માવજત પોતાના બાળકની જેમ કરી રહ્યા છે.
સામાન્ય રીતે જે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર કપાસ, મગફળી સહિતના રૂટીન પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે તેની ઉત્પાદન આવ્યા બાદ તેઓ પોતાના માલનું વેચાણ કરવા માટે સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં જતા હોય છે અથવા તો તેઓના ખેતરે આવીને પણ ઘણી વખત વેપારીઓ દ્વારા માલની ખરીદી કરી લેવામાં આવતી હોય છે.
જોકે ચંદનની ખેતી કરનારા સુરેશભાઈ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર ભારતની અંદર તમિલનાડુમાં સૌથી વધુ ચંદનની ડિમાન્ડ રહેતી હોય છે અને ત્યાં જ્યારે ચંદનના ઝાડનું ૨૦ વર્ષ પછી વેચાણ કરવાનો સમય આવે ત્યારે તેઓએ અહીંથી પોતાનો માલ તમિલનાડુ લઈ જવો પડે અને ત્યાં હરાજી કરવામાં આવતી હોય છે તેમાં જ્યારે તેનો વારો આવે તે સમયે તેઓના ચંદનના લાકડાની હરાજી કરીને નિકાલ કરવામાં આવે અને ત્યારબાદ તેઓને અઢળક પૈસા મળે છે.
ઉલ્લેખનીએ છે કે ખેડૂતો દ્વારા રૂટીન ખેતી કરવાના બદલે જો સુરેશભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતમાંથી બોધ લઈને પોતાની ખેતીમાં સમયાંતરે જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવે તો તેના ૧૦૦ ટકા પરિણામ સારા પરિણામો મળે છે અને ખાસ કરીને જો ચંદનની ખેતીની વાત કરીએ તો આ ખેતી કરવાથી લાખો નહીં કરોડો રૂપિયાની આવક થઈ શકે છે પરંતુ તેના માટે ખેડૂતે ૨૦ વર્ષ સુધી ધીરજ રાખવી પડે છે અને ધીરજની સાથોસાથ ચંદનનું એક એક ઝાડ યોગ્ય પોષણ મેળવીને મોટું થાય તેના માટે ટપક સિંચાઈ પદ્ધતિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય માવજત પણ કરવી પડે છે.