Gujarat Vidhan Sabha Chutani 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતી કાલે છે. ગુરુવારે 1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. જેમાં સૌરાષ્ટ્રની 48, કચ્છની 6 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો સામેલ છે. મતદારો 89 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પહેલા તબક્કામાં જે 89 બેઠકો છે તેમાંથી અનેક બેઠકો એવી છે જ્યાંથી હાલની સરકારના મંત્રીઓ અને મોટા મોટા નેતાઓ મેદાનમાં છે. આ બેઠકોમાં કુતિયાણા, ભાવનગર, પોરબંદર, વરાછા રોડ સહિત અનેક બેઠકો એવી છે જે ગુજરાતના રાજકારણની દિશા નક્કી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુતિયાણા
પોરબંદરની કુતિયાણા બેઠકથી સતત બે વારના વિધાયક કાંધલ જાડેજા ગુજરાતના લેડી ડોન કહેવાતા સંતોકબેન જાડેજાના પુત્ર છે. ગત બે વારથી તેઓ એનસીપીની ટિકિટ પર જીત્યા હતા પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિન્હ સાઈકલ પર ચૂંટણી લડી રહ્યા છે. કાંધલ જાડેજાનો આ વિસ્તારમાં સારો એવો પ્રભાવ છે જો કે તેમના પર અનેક કેસ પણ છે. ભાજપે અહીંથી ઢેલીબેન આડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને આશા છે કે મહિલા ઉમેદવાર હોવાનો તેમને લાભ મળશે અને તેઓ કમલ ખિલવશે. હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર કાંધલ જાડેજા હેટ્રિક સર્જશે કે પછી ઢેલીબેન તેમને માત આપવામાં સફળ થશે. 


પોરબંદર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર જિલ્લાની આ બેઠક ખુબ ચર્ચામાં રહે છે. જેનું કારણ છે ગુજરાતના બે મોટા નેતાઓની રાજકીય લડાઈ. 2017ની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખિરિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાને હરાવ્યા હતા. સતત બીજીવાર મોઢવાડિયા હાર્યા હતા. આ વખતે ફરીથી બંને નેતાઓ આમને સામને છે. ગત મુકાબલો કાંટાની ટક્કર રહ્યો હતો અને બાબુભાઈ ફક્ત 1855 મતથી જીત્યા હતા. આ વખતે અર્જૂન મોઢવાડિયા પરિણામ બદલી શકશે કે નહીં તેના પર બધાની નજર છે. 


કતાર ગામ
પૂર્વ કોન્સ્ટેબલ અને ક્લર્કની નોકરી કરી ચૂકેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા આ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. પાટીદારોના સારા એવા પ્રભાવવાળી આ બેઠક પર તેમનો મુકાબલો વીનુ મોરડિયા સામે છે. ભાજપના નેતા વીનુ મોરડિયાનો અહીં સારો એવો પ્રભાવ છે. વીનુ મોરડિયા અને ગોપાલ ઈટાલિયાની આમને સામને ટક્કરને લઈને આ બેઠક ચર્ચામાં છે. કોંગ્રેસે આ બેઠકથી કલ્પેશ વારિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્રણેય પાર્ટીઓએ આ બેઠક માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે કતારગામમાં કોનો ડંકો વાગે છે. 


ભાવનગર (પશ્ચિમ)
ભાવનગર જિલ્લાની આ બેઠકથી ગુજરાત સરકારના હાલના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2012થી સતત અહીંથી ચૂંટણી જીતી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીની ઘેરાબંદી કરવા માટે અહીંથી સામાજિક કાર્યકર રાજૂ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. રાજૂ સોલંકી આપના નવા પોસ્ટર બોય પણ છે. શિક્ષણ અને સ્વાસ્થ્યને મુદ્દો બનાવનારી આમ આદમી પાર્ટી શું આ બેઠક પર જીતુ વાઘાણીને માત આપી શકશે? કે પછી વાઘાણી ફરીથી વિધાનસભા પહોંચશે. જેના પર દરેકની નજર છે. ગત  વખતે વાઘાણી 27,185 મતોથી જીત્યા હતા. આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસે કિશોર સિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. 


વરાછા રોડ
પાટીદારોનો ગઢ મનાતી આ બેઠક ખુબ ચર્ચામાં છે. કારણ કે આમ આદમી પાર્ટીએ અહીં પાટીદાર આંદોલનના પ્રમુખ ચહેરા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કિશોર કાનાણી મેદાનમાં છે. બંને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું મનાય છે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્ર સાથે ઘરોબો ધરાવે છે. ઓક્ટોબર 2022 મહિનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનમાં હાર્દિક બાદ નંબર-2 હતા. હવે જોવાનું એ રહેશે કે શું કિશોર કાનાણીનો અભેદ કિલ્લો ભેદી શકશે કે પછી કમળ જ ખીલશે?


ગોંડલ
રાજકોટની ગોંડલ સીટ બે ક્ષત્રિય પરિવારોના વર્ચસ્વની લડતના પગલે હંમેશા ચર્ચામાં રહે છે. ભાજપે આ સીટ પરથી એકવાર ફરીથી હાલના વિધાયક ગીતાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પૂર્વ વિધાયક જયરાજસિંહ જાડેજાના પત્ની છે તો બીજી બાજુ ટિકિટ નહીં મળતા પૂર્વ વિધાયક મહિપત સિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા નારાજ છે અને તેમણે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હવે આવામાં આ બેઠક પર ભાજપની સરળ દેખાતી રાહ કેટલી મુશ્કેલ થશે? તેને લઈને પણ બધાને રસ છે. 


ખંભાળિયા
આમ આદમી પાર્ટીના ગુજરાતના સીએમ ફેસ ઈસુદાન ગઢવી આ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે જેને લઈને ખંભાળિયા બેઠક ચર્ચામાં છે. ઓબીસી વર્ગથી આવતા ઈસુદાન ગઢવી રાજકારણમાં આવતા પહેલા મૂળ તો પત્રકાર હતા, પરંતુ ચૂંટણી રણમાં ઉતર્યા બાદ વિરોધીઓને ટક્કર આપી રહ્યા છે. અહીં છેલ્લા કેટલાક દાયકાથી ફક્ત આહીર સમાજના ઉમેદવારને જીત મળી છે. આવામાં ઈસુદાન ગઢવી શું જાતિગત સમીકરણને માત આપી શકશે? તેના પર બધાની નજર છે. ભાજપે અહીંથી મૂળુભાઈ બેરાને ઉમેદવાર  બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે હાલના ધારાસભ્ય વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં રિપીટ કર્યા છે. 


મોરબી
ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટનાના કારણે ચર્ચામાં આવેલી સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપને નુકસાન થશે કે નહીં અને થશે તો કેટલું થશે તેના પર બધાની નજર ટકેલી છે. ભાજપે હાલના વિધાયક અને મંત્રી બ્રજેશ મેરજાની ટિકિટ કાપીને અહીંથી પૂર્વ વિધાયક કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે. 2017ની ચૂંટણીમાં બ્રજેશ મેરજાએ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી પરંતુ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ 2020માં પેટાચૂંટણી થઈ અને મેરજા જીતી ગયા. હવે તેઓ મેદાનમાં નથી. આવામાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા શું ભાજપ માટે સીટ બચાવી શકશે?


જામનગર (ઉત્તર)
જામનગરની આ બેઠક પર અત્યાર સુધી ભાજપનો કબજો હતો. અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હતા. પરંતુ આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને સ્ટાર ક્રિકેટરના પત્ની રિવાબા જાડેજાને તક આપી છે. રિવાબા 2019ની લોકસભા ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. અહીં રિવાબાનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સાથે છે. આ સીટ હાઈ પ્રોફાઈલ મુકાબલાથી વધુ કૌટુંબિક મતભેદ માટે ચર્ચામાં છે. રિવાબા ભાજપમા તો નણંદ નૈનાબા જાડેજા કોંગ્રેસમાં છે. એટલું જ નહીં તેમના સસરા પણ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આવામાં આ બેઠક હવે મહત્વની બની રહી છે. આ સીટ ક્ષત્રિય બહુમતીવાળી છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube