મુખ્યમંત્રીને હરાવવા કોણે બાંધ્યું છે કફન? કહ્યું - આ બેઠક પર કઠપુતળીને હરાવીને AAP માંથી હું બનીશ CM
Gujarat Assembly election 2022/વિધાનસભાની વાતઃ બબ્બે CM આપનારી બેઠક પર AAP માંથી કોને બનવું છે CM? ભાજપ-કોંગ્રેસ અને આપની નજર આવખતે એક બેઠક પર ખાસ રહેશે. એ બેઠક છે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક. શા માટે ઘાટલોડિયા ભાજપ માટે શાખનો પ્રશ્ન છે? શા માટે ઘાટલોડિયા બેઠક જીતવા માટે કોંગ્રેસ અને આપ પણ લગાવી રહ્યું છે એડીચોંટીનું જોર? સત્તાની સીટ અને પાટીદારોના પાવર સાથે શું છે આ બેઠકનું સીધું કનેક્શન જાણો...
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022 નો શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ-કોંગ્રેસ સહિત આ વખતે અન્ના આંદોલનથી અસ્તિત્વમાં આવેલી કેજરીવાલની આપ પાર્ટી પણ આ વખતે ગુજરાતના ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. જેના કારણે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયા જંગનું ચિત્ર ઊભું થયું છે. ત્યારે વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું અમદાવાદની ઘાટલોડિયા બેઠકની. અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠકએ સામાન્ય બેઠકો કરતા અલગ છે. કારણકે, આ બેઠકએ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. આ બેઠકએ માત્ર ભાજપનો ગઢ જ નથી પણ આ બેઠક પરથી ગુજરાતનું સંચાલન થાય છે. તેથી આ બેઠકએ એક પ્રકારે ભાજપનો અભેદ કિલ્લો બની ગઈ છે. ભાજપમાંથી સત્તાવાર રીતે ઘાટલોડિયા બેઠક પર સર્વાનુમત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે એકલાએ જ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે. તેથી એ વાત ફિક્સ છેકે, ભાજપમાંથી આ બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ ચૂંટણી લડશે.
આ પણ ખાસ વાંચોઃ આ બેઠક પર વર્ષોથી ચાલે છે ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! BJPને જીતાડવા કોંગ્રેસ કરે છે કામ
ઘાટલોડિયા બેઠક પાટીદારોનું પાવરહાઉસ પણ ગણાય છે. અંદાજે આ બેઠક પર સવા લાખ જેટલાં પાટીદાર મતદારો છે. એટલે જ પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પરથી ભાજપને બબ્બે મુખ્યમંત્રી મળ્યાં છે. એટલાં માટે જ આ બેઠક પાટીદારોનું એપી સેન્ટર પણ ગણાય છે. પહેલાં આનંદીબેન પટેલ અને ત્યાર બાદ તેમના જ માનીતા ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા અને ત્યાર પછી તેમણે મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું. મોદીના માસ્ટર સ્ટ્રોક તરીકે ગુજરાતમાં નો-રીપીટની થિયેરીમાં વિજય રૂપાણી અને તેમની સરકારને બરખાસ્ત કરીને ગુજરાતમાં ભાજપે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યાં. આ રીતે ઘાટલોડિયા બેઠકએ રાજકીય દ્રષ્ટ્રિે વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજી તરફ પાટીદાર બહુમત ધરાવતી આ બેઠક પાટીદારોનો પણ ગઢ ગણાય છે જેથી સામાજિક દ્રષ્ટ્રીએ પણ ઘાટલોડિયા બેઠકનું વિશેષ મહત્ત્વ છે.
આ ખાસ વાંચોઃ વિધાનસભાની વાતઃ એ બેઠક જ્યાં ભાજપ-કોંગ્રેસ કોઈનું નથી ચાલતું! જાણો કુતિયાણાની કહાની
ઘાટલોડિયામાં ભાજપનો રેકોર્ડઃ
ઘાટલોડિયામાં જીત મેળવવી જ્યાં એક તરફ ભાજપ માટે શાખનો પ્રશ્ન છે ત્યાં બીજી તરફ ભાજપનું વર્ચસ્વ હોવાને કારણે અહીં સરળતાથી કમળ ખીલી શકે છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ભાજપના ગઢમાં ગાબડુ્ં પાડવા આ બેઠક જીતવી ખુબ જ જરૂરી છે. આ બેઠક પર જીત એ અન્ય પક્ષો માટે જાણે કિલ્લા ફતેહથી કમ નથી. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા વિધાનસભા બેઠક જાણે મુખ્યમંત્રી પદની ખુરશી માટે જ બની હોય એવું રાજકીય ગણિત ગોઠવાઈ ગયું છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી આનંદીબહેન પટેલ ધારાસભ્ય બન્યા હતા. 2017માં ઘાટલોડિયા બેઠક પર પાટીદાર આંદોલન છતાં કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન 2021માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાયા ત્યારે અચાનક ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે. જ્યારે ઘાટલોડિયાના ધારાસભ્ય રહી ચૂકેલાં અને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલાં આનંદીબેન હવે યૂપીના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યાં છે.
આ બેઠક પર કઠપુતળીને હરાવીને AAP માંથી હું બનીશ CM: વિજય પટેલ, ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર, AAP
ગુજરાત વિધાનસભાની 41 માં નબરની બેઠક એટલે ઘાટલોડિયા. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ભારે ભરખમ લીડ સાથે જીત્યા હતાં. જોકે, વિપક્ષ કહી રહ્યું છેકે, તે સમયે મોદી લહેર હતી. જ્યારે આપનો દાવો છેકે, 2022માં કેજરીવાલની લહેર છે. એવામાં આમ આદમી પાર્ટીના ઘાટલોડિયાના ઉમેદવાર વિજય પટેલે 24કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યુંકે, ગુજરાતમાં લોકો પાવરફૂલ સીએમ ઈચ્છે છે. લોકોને સોફ્ટ નેચરના કઠપુતળી સીએમ પસંદ નથી. હું કઠપુતળી સીએમને હરાવીને ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ. ગુજરાતમાં આ વખતે મોદીની નહીં પણ કેજરીવાલની લહેર છે. હું ઘોટલોડિયામાં જન્મ્યો અને ત્યાંજ મોટો થયો છું, મારી સીએમ આવે તો પણ હું માથે કફન બાંધીને લડવા અને જીતવા નીકળ્યો છું. સામે સીએમ આવે કે કોઈપણ આવે હું ડરવાનો નથી, મેં કોઈપણ રીતે ઘાટલોડિયાથી જીત મેળવવાનો નિશ્ચય કર્યો છે. દોઢ વર્ષ પહેલાં મેં આપ પાર્ટી જોઈન કરી છે. હું જાડુ લઈને સિસ્ટમમાંથી ગંદકી સાફ કરવા રાજનીતિમાં આવ્યો છું. મને માત્ર પાટીદાર હોવાના કારણે અહીંથી ટિકિટ નથી મળી, પાર્ટીએ મારું કામ જોઈને અને મારી ક્ષમતા જોઈને મને આ તક આપી છે.
આ બેઠક પર અમિત શાહ અને આનંદબેન બન્ને લોબીનું પ્રભુત્વઃ
ઘાટલોડિયા વિધાનસભા બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક નવા સીમાંકન મુજબ આ બેઠક ગાંધીનગર લોકસભાના મતક્ષેત્રમાં આવે છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તાર હોવાથી પણ અહીં ભાજપની પકડ એકદમ મજબૂત છે. બીજી તરફ આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હોવાથી પણ અહીં ભાજપની બીજી લોબી પણ અહીં સૌથી સ્ટ્રોંગ છે. વર્તમાન મુખ્યમંત્રી પણ આનંદબેન જૂથના ખાસ હોવાનું કહેવાય છે. અને એટલે જ મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ બેનના આશીર્વાદ લેવા ગયા હતાં.
ઘાટલોડિયા વિધાનસભાનો ચૂંટણીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2012 આનંદીબેન પટેલ ભાજપ
2017 ભૂપેન્દ્ર પટેલ ભાજપ
આ પણ ખાસ વાંચોઃ વિધાનસભાની વાતઃ નવસારી કેમ ગણાય છે ભાજપનો ગઢ? જાણો અહીં કેમ ચાલે છે પાટીલનો પાવર
જ્ઞાતિનું ગણિતઃ
અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. ઘાટલોડિયા બેઠકમાં 3.74 લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા 70થી 78 હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 40 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે.
વિસ્તારની દ્રષ્ટ્રિએ ઘાટલોડિયા વિધાનસભાઃ
અમદાવાદ જિલ્લામાં આવેલી ઘાટલોડિયા બેઠકમાં આસપાસના નાનકડા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. આ ઉપરાંત ત્રાગડ, મેમનગર, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ, બોપલના વિસ્તારનો પણ ઘાટલોડિયામાં સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube