વિધાનસભાની વાતઃ આ બેઠક પર વર્ષોથી ચાલે છે ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! અહીં ભાજપને જીતાડવા કોંગ્રેસ કરે છે મહેનત!

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ વાત છે વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠકની. પણ શું તમે જાણો છો કે આ બેઠક ભાજપનો ગઢ કઈ રીતે બની? હજુ પણ કેમ ક્યારેય અહીં કોંગ્રેસનો ઉમેદવાર નથી જીતતો? હાઈકમાન્ડને અંધારામાં રાખીને વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસ કરતું આવ્યું છે ભાજપ જોડે સેટિંગ! જાણો કઈ રીતે કોંગ્રેસનો સાથ લઈને વર્ષોથી ભાજપ નરોડામાં ખિલવતો આવ્યો છે કમળ...

વિધાનસભાની વાતઃ આ બેઠક પર વર્ષોથી ચાલે છે ભાજપ-કોંગ્રેસનું ઈલુઈલુ! અહીં ભાજપને જીતાડવા કોંગ્રેસ કરે છે મહેનત!

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધીઓ દિવસેને દિવસે તેજ થતી જાય છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતના મેદાન-એ-જંગમાં કૂદી પડી છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપને હરાવીને જીત હાંસલ કરવાના દાવા પણ કરવામાં આવે છે. જ્યારે વર્ષો જૂની પાર્ટી કોંગ્રેસ ધીરેધીરે હાંસિયામાં ધકેલાઈ રહી છે. કોંગ્રેસ પાસે રહ્યાં સહ્યાં ધારાસભ્યો વધ્યાં છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા નેતાઓની લાંબી યાદી પણ હજુ કતારમાં છે. ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર કોંગ્રેસ વિપક્ષમાં છેકે, તેનું પણ ભાજપ સાથે આંતરિક સેટિંગ છે? ઓવરી થિંગ ઈઝ ફેર...ઈન લવ એન્ડ વોર...આ કહેવતને અનુરૂપ ચૂંટણીપણ એક જંગ છે અને એ જંગમાં બધુ જ જાયજ છે. ગુજરાત વિધાનસભામાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સેટિંગ ચાલે છે. જ્યાં ભાજપને જીતાડવા વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસ પોતે મહેનત કરે છે. જાણીને નવાઈ લાગીને પણ આ હકીકત છે. ગુજરાતમાં આવી બેઠકમાં સૌથી પહેલું નામ આવે છે અમદાવાદ શહેરની અને વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી નરોડા વિધાનસભા બેઠકનું. વિધાનસભાની વાતમાં જાણીએ નરોડાની વાત. જાણો વર્ષોથી હાઈકમાન્ડને અંધારામાં રાખીને કોંગ્રેસ કઈ રીતે અહીં કરતું આવ્યું છે ભાજપ જોડે સેટિંગ...

આ પણ ખાસ વાંચોઃ  વિધાનસભાની વાતઃ એ બેઠક જ્યાં ભાજપ-કોંગ્રેસ કોઈનું નથી ચાલતું! જાણો કુતિયાણાની કહાની

અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક પર વર્ષ 1990થી ભાજપ સતત જીતતું આવ્યું છે. પણ શું તમે જાણો છો કે નરોડા ભાજપનો ગઢ બન્યો એમાં કોંગ્રેસનો પણ હાથ છે. જ્યારે અમે આ સવાલનો જવાબ મેળવવા માટે પક્ષના નેતાઓ, સ્થાનિક કાર્યકરો, વિસ્તારના લોકો અને રાજકીય વિશેષજ્ઞોનો મત લીધો પછી ચૂંટણીના ઈતિહાસની છણાવટ કરી તો ચોંકવનારી વાત સામે આવી. ગુજરાત કોંગ્રેસના ટોપના નેતાઓ પૈસા લઈને ટિકિટ વેચે છે. જાણી જોઈને હારવા માટે ભાજપ જોડે કરવામાં આવે છે સેટિંગ. ઘણીવાર હારવા માટે નબળા ઉમેદવાર અથવા તો જાતિગત સમીકરણોથી વિપરિત ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે એવું ખુદ કોંગ્રેસના જ કાર્યકરો કરી રહ્યાં છે. જ્યારે અંદરખાને ભાજપ પણ આ વાતનો સ્વીકાર કરે છે. છેલ્લાં બે દાયકા કરતા વધારે સમયથી ગુજરાત વિધાનસભાની નરોડા બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 16 બેઠકમાંથી 12 બેઠક પર વિજય મેળવ્યો હતો અને 4 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ 4 બેઠક પર પણ ભગવો લહેરાવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.

આ પણ ખાસ વાંચોઃ  AAP નું પાટીદાર કાર્ડ! જાણો ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી ક્યાંથી લડશે ચૂંટણી

કોંગ્રેસના નેતાઓ પૈસા લઈન ટિકિટ વેચે છે, ભાજપમાંથી ભૂપેન્દ્ર પટેલ લડે તોય હું જીતીશઃ ઓમ પ્રકાશ તિવારી, ઉમેદવાર AAP, નરોડા વિધાનસભા
નરોડા વિધાનસભાના આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારીએ જણાવ્યુંકે, કોંગ્રેસ પાર્ટી હવે પતી ગઈ છે. કોંગ્રેસમાં કોઈ નરોડામાં મારી સામે ટકશે નહીં. ગુજરાતમાં કોંગ્રેસના ઉપરના નેતાઓ હાઈકમાન્ડને અંધારામાં રાખીને પૈસા લઈને ટિકિટો વેચી મારે છે. કોંગ્રેસના નેતાઓને પબ્લિકના પ્રશ્નો કે સરકાર બનાવવામાં કોઈ રસ નથી, કોંગ્રેસના નેતાઓેને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રસ છે. હું કોંગ્રેસમાં રહીને આ પહેલાંની ચૂંટણી હાર્યો ત્યારે મારી સાથે પણ આ રીતે જ આંતરિક રાજકારણ થયું હતું. રાહુલ ગાંધી સારા માણસ છે, પણ ગુજરાત કોંગ્રેસના ઉપરના પાંચ-છ મુખ્ય નેતાઓ એમના સુધી સાચી વાત પહોંચાડતા જ નથી. એ લોકો હાઈકમાન્ડને ગોળગોળ ફેરવીને પોતે ભાજપ જોડે સેટિંગ કરીને પૈસા કમાય છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જીતવામાં નહીં હારીને પૈસા કમાવામાં રસ છે. તેથી એક બાજુ પૈસાથી ટિકિટ વેચે છે અને બીજી બાજુ જાણીને પોતાના ઉમેદવારને હરાવીને સામેથી બીજા પૈસા કમાય છે. રહી વાત ભાજપની તો ભાજપમાં બલરામ થાવાણી તો શું પોતે ભૂપેન્દ્ર પટેલ પણ મારી સામે આવશે તો પણ હું જ જીતીશ. 

નરોડામાં તિવારીની ડિપોજિટ જપ્ત થઈ જશે, કોંગ્રેસ ફૂલ ફોર્મમાં છેઃ શૈલેષ પરમાર, વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુંકે, કોંગ્રેસના વોટ કાપવા ભાજપ પોતે આપને લાવ્યું છે. કોંગ્રેસ પૈસા આપીને ટિકિટ આપે છે એ વાત ખોટી છે. પૈસા લીધાં હોય એવા પુરાવા હોય તો બતાવો. ઓમ પ્રકાશ તિવારીને અમે ટિકિટ આપી હતી માણેસે અહેસાન ભુલવું ના જોઈએ. એ ભલે આપમાં હોય નરોડામાં તિવારીની ડિપોજીટ પણ જપ્ત થઈ જશે આ વખતે. AAP ભાજપની B ટીમ છે. આપવાળા માર્કેટમાં ભરે છે અમે વિસ્તારમાં લોકોની વચ્ચે ફરીએ છીએ. નરોડામાં ભાજપ જોડે કોંગ્રેસના સેટિંગની વાત ખોટી છે, અહીં તો આપ અને ભાજપનું સેટિંગ છે.

તિવારી ઉંઘમાં છે જીતવાના ખોટા સપના જોવે છેઃ બલરામ થાવાણી, ધારાસભ્ય, નરોડા
નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આ તિવારીને તો હું શું કહું હું આવા બધાથી ડરતો નથી. તિવારી સપનામાં ભાષણો આપે છે. એ જીતવાના સપનામાં જ રહી જશે. એ તિવારી ઉંઘમાં છે, જીતવાના ખોટા સપના જોવે છે. અહીં AAP નું કોઈ વજુદ નથી. ભાજપે વિકાસ કર્યો છે. આપ હોય કે કોંગ્રેસ મને કોઈ ચિંતા નથી. મેં અહીં એવા એવા કામો કર્યા છેકે, મને પુરો વિશ્વાસ છે પાર્ટી મને ફરી નરોડામાંથી જરૂર ટિકિટ આપશે. હું છેલ્લાં 27 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. નરોડામાં કોંગ્રેસ સાથે ભાજપનું કોઈ સેટિંગ નથી. એ લોકો કોઈપણ ઉમેદવાર લાવે હું હરાવીશ.

વિસ્તારની છણાવટઃ
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ શહેરના ફાળે 16 જેટલી વિધાનસભા બેઠકો જાય છે. અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. અહીં આંખો બંધ કરીને લોકો ભાજપને જ મત આપે છે. જોકે તેની પાછળ શું કારણ છે પણ જાણવાની જરૂર છે. વસ્તીની દ્રષ્ટ્રીએ આ વિસ્તારમાં સરદાર નગર, નોબલનગર, ઘનશ્યામનગર, કુબેરનગર, ભદ્રેશ્વર, સમરથનગર, નાના ચિલોડા તેમજ નરોડા અને આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગુજરાતીઓને બાદ કરવામાં આવે તો સૌથી વધારે વસ્તી સીંધી સમાજની છે. ભાજપના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ સિંધી હોવાથી પહેલાંથી જ સીધી મતદાર ભાજપની ફેવરમાં રહ્યાં છે. સિંધી સમાજ મહંદ અંગે વેપારી પ્રજા છે. મોટોભાગે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાત આવીને વસેલાં સિંધીઓ સૌથી પહેલાં ગુજરાતમાં હાલના અમદાવાદ એરપોર્ટ પાસે આવેલાં સરદાર નગરમાં સરણાર્થી તરીકે આવ્યાં હતાં. જોત જોતામાં આ પ્રજાએ પોતાની સુજબુજ અને મહેનતથી ધંધા-વેપારમાં સારી એવી કમાણી કરી. હાલ સિંધીઓ કાપડ ઉદ્યોગથી માંડીને ઈલેક્ટ્રક્સના બિઝનેસમાં પણ સારું એવું કાઠું કાઢ્યું છે.

જ્ઞાતિનું ગણિતઃ
જ્ઞાતિના ગણિતની વાત કરીએ તો અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર ગુજરાતીઓ ઉપરાંત સિંધી સમાજનું ભારે પ્રભુત્વ છે. સિંધીઓ વર્ષોથી ભાજપની સાથે રહ્યાં છે. ત્યારે મતદારોની મુલાવણી કરીએ તો અહીંય સૌથી વધારે સિંધી અને OBC મતદારોનું પ્રભુત્વ  છે. નરોડાની વિધાનસભા બેઠકની ચૂંટણીમાં સિંધી જ્ઞાતિના મતદારોનું 14 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. પાટીદાર સમાજનું વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 10 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. બક્ષીપંચનું 26 ટકા, દલિતનું 12 ટકા, સવર્ણનું 3 ટકા, પરપ્રાંતિયનું 13 ટકા તથા અન્ય જ્ઞાતિનું 22 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે.

નરોડા વિધાનસભા ચૂંટણીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ         વિજેતા ઉમેદવાર                      પક્ષ
2017    બલરામ થવાણી                        ભાજપ
2012    ડૉ.નિર્મલાબેન વાઘવાણી            ભાજપ
2007    માયાબહેન કોડનાની                  ભાજપ
2002    માયાબહેન કોડનાની                  ભાજપ
1998    માયાબહેન કોડનાની                  ભાજપ
1995    ગોપાલદાસ ભોજવાણી               ભાજપ
1990    ગોપાલદાસ ભોજવાણી               ભાજપ
1985    ગીતાબેન દક્ષિણી                       કોંગ્રસ
1980    રામચંદ તહલરામ                        કોંગ્રેસ

હાર-જીતનું માર્જિન અને ઉમેદવારોની વાતઃ
વર્ષ 1990થી ભાજપ નરોડા બેઠક પરથી સતત જીતી રહ્યું છે. જેથી નરોડાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર બલરામ થવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા. વર્ષ 2012માં પણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નરોડા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. ભાજપ ઉમેદવાર ડૉ.નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ભવાન ભરવાડને 58,352 મતથી હરાવી દીધી હતા. વર્ષ 2007માં પણ નરોડામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. 2007માં ભાજપના ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પરષોત્તમ હરવાણીને 1,80,442 મતથી હરાવ્યાં હતાં. વર્ષ 2002માં પણ ભાજપ ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ કોઠિયાને હરાવીને જીત મેળવી હતી. હવે સૂત્રોની માનીએ તો આ બેઠક પર જાણી જોઈને સિંધીને સામે મજબુત સિંધી ઉમેદવાર કોંગ્રેસ ક્યારેય નથી ઉભો રાખતી. જ્યાં કોઈપણ રીતે જીતી ન શકે કોંગ્રેસ એવા જ ઉમેદવારને ટિકિટ આપે છે અને અંદરખાને ભાજપ જોડે સેટિંગ કરે છે. હાઈકમાન્ડને અંધારામાં રાખી આ સેટિંગ ગુજરાત પ્રદેશના ટોપના નેતાઓ કરે છે. બીજી તરફ ભાજપ પણ સિંધી સમાજના વોટ કેટલ કરવા માટે ગુજરાતીઓને કોરાણે મુકીને અહીં સિંધી ઉમેદવારને જ ટિકિટ આપે છે. ખુદ કોંગ્રેસના નેતાઓ ઓફ ધ રેકોર્ડ વાત કરતા કહે છે કે, નરોડો બેઠક આજે નહીં પણ કોંગ્રેસના ફાળે ક્યારેય નહીં જાય અને એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોપને કેટલાંક નેતાઓનું ભાજપ સાથેનું સેટિંગ જ જવાબદાર છે.

પહેલાં મહિલા સાથે લાતમલાતી અને પછી ધારાસભ્યનું સગવડીયું રક્ષાબંધનઃ
આ બેઠકના ધારાસભ્ય અનેક વિવાદમાં રહ્યાં છે. પણ સૌથી મોટો વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે વર્ષ 2019માં નરોડાના સરદારનગર વિસ્તારમાં રહેતા નીતુ તેજવાની પાણીની સમસ્યા અંગે ભાજપ ધારાસભ્ય બલરામ થવાણીના ઘરે ગયા હતા. તે સમયે ભાજપ ધારાસભ્ય બલરામ થવાણી ભાન ભૂલી ગયા હતા અને જાહેરમાં નીતુ બહેનને લાતો મારી હતી. નીતુ તેજવાનીને લાતો મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે બલરામ થવાણીએ પોતાના સૂર બદલ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારીને પીડિત મહિલાની માફી માંગી હતી. બલરામ થવાણીએ કહ્યું હતું કે, ‘હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. મને મારી ભૂલનું ખૂબ જ દુ:ખ છે આ તો મારી બહેન છે’ જોકે, સૂત્રોની માનીએ તો ભાજપ હાઈકમાન્ડના ઠપકા બાદ આ વિવાદમાં ધારાસભ્ય બલરામ થાવાણીએ અંદાજે 30 લાખ રૂપિયા આપીને સગવડીયું રક્ષાબંધન કરીને મામલો ઠાળે પાળવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક સમસ્યાઓની ભરમારઃ
સ્થાનિકોની માનીએ તો દર વખતે ભાજપ-કોંગ્રેસના અંદરોઅંદર સેટિંગના કારણે અહીં ભાજપનો સિંધી ઉમેદવાર જીતી જાય છે. જીત્યા બાદ ધારાસભ્ય માત્ર સિંધી વિસ્તારની જ ચિંતા કરે છે. અહીંના નોબલનગર, ઘનશ્યામનગર, ભદ્રેશ્વર, સમરથનગર, નાના ચિલોડા તેમજ નરોડાના વિસ્તારોમાં ધારાસભ્ય ક્યારેય મુલાકાત લેવા પણ આવતા નથી. આ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ, જ્યાં ત્યાં ગેરકાયદે દબાણો, વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને ડ્રેનેજની મોટી સમસ્યા છે. આ ઉપરાંત અહીં જીમ, લાયબ્રેરી, ગાર્ડન, કોમ્યુનિટી હોય જેવી કોઈ જ વસ્તુ નથી. અહીં આસપાસમાં ઢગલાબંધ દારૂના અડ્ડા ચાલે છે. સ્થાનિકોનું કહેવું છેકે, એમાં પણ પોલીસ અને સ્થાનિક નેતાઓની મીલી ભગત હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news