વિધાનસભાની વાતઃ અહીં ઊંધા પડી શકે છે બધા અનુમાન, જાણો શું કહે છે જામનગર-ગ્રામ્યનું ગણિત
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જનરલ સીટ છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 51 હજાર 934 મતદારો નોંધાયા છે. જેમાંથી 1 લાખ 29 હજાર 193 પુરુષ મતદારો અને 1 લાખ 22 લાખ 741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી ખુબ જ રસપ્રદ બનવાની છે. ભાજપ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરતા ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ત્યારે વિધાનસભાની બેઠકોના સમીકરણ પણ બદલાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યા ત્રિ પાંખિયા જંગમાં મતદારોને રિઝવવા અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુક્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય બેઠકનું રાજકીય સમીકરણ રસપ્રદ રહેશે.
જામનગર ગ્રામ્ય બેઠકનું 2017નું ગણિત:
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જનરલ સીટ છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 51 હજાર 934 મતદારો નોંધાયા છે. જેમાંથી 1 લાખ 29 હજાર 193 પુરુષ મતદારો અને 1 લાખ 22 લાખ 741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવીયા મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 70 હજાર 750 મત અને ભાજપના ઉમેદવારને 64 હજાર 353 મત મળ્યા હતા. જેથી 2017ની ચૂંટમીમાં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવીયાની જીત થઈ હતી.
2022માં કેમ હોટસ્પોટ બનશે આ બેઠકઃ
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફ માહોલ હોવાથી વલ્લભ ધારવીયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડ્યો હતો. પરંતુ 2022ની ચૂંટણીમાં સમીકરણો અલગ છે. વલ્લભ ધારવીયાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. વલ્લભ ધારવીયા ભાજપમાં જોડાતા જામનગર ગ્રામ્ય બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી રાઘવજી પટેલનો વિજય થયો હતો. એટલા માટે ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાઘવજી પટેલને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે કૃષિમંત્રી પોતાની સીટ ટકાવી રાખશે કે કોંગ્રેસ ફરી બાજી મારી જશે. કે પછી ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી કેટલો ફાયદો થશે તેના પર સૌની નજર રહેશે.
જામનગર ગ્રામ્ય બેઠક પર ઊંધા પડે છે અનુમાનઃ
જામનગર ગ્રામ્ય બેઠક પર વર્ષ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ 33,022 મતથી જીત્યા હતા. જેથી 2017માં કબેજે કરેલી બેઠક કોંગ્રેસે ગુમાવી હતી. જો કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને રાઘવજી પટેલે ભાજપના નેતા રણછોડ ફળદુને હારનો સ્વાદ ચખાડ્યો હતો. 2017ની જીત બાદ વલ્લભ ધારવીયાએ વર્ષ 2019માં પક્ષપલટો કરી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. જેથી પેટા ચૂંટણીમાં ભાજપે ફરી જામનગર ગ્રામ્ય બેઠક કબજે કરી હતી. જો કે હવે 2022માં પણ આ બેઠક ટકાવી રાખવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કોંગ્રેસ પર ફરી એક વખત જામનગર ગ્રામ્ય બેઠક પર જીત મેળવવા રણનીતિ ઘડી રહી છે.
જામનગર ગ્રામ્ય બેઠક કોનો ગઢ?
જામનગર ગ્રામ્ય બેઠક પર વર્ષ 1975 અને વર્ષ 1980ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાણજી પરમારનો વિજય થયો હતો..જ્યારે વર્ષ 1985માં કોંગ્રેસના ઉમેદવાર ભૈમજી હિરાણી વિજેતા થયા હતા. વર્ષ 1990માં જનતા દળના ઉમેદવાર દિનેશ પરમારનો વિજય થયો હતો. જ્યારે વર્ષ 1995માં દિનેશ પરમારના વિજયથી કોંગ્રેસ ફરી બેઠક મેળવી હતી. પરંતુ વર્ષ 1998માં ભાજપના ઉમેદવાર મનહર ઝાલાનો અહીં વિજય થયો. ફરી વર્ષ 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારનો અહીંથી વિજય થયો. જોકે તે બાદ સતત 2007 અને 2012ની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક ભાજપ પાસે રહી હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં ફરી કોંગ્રેસ પાસે આવી હતી. પરંતુ વલ્લભ ધારવીયાના પક્ષપલટા બાદ પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલને મેદાને ઉતરી ભાજપે બેઠક મેળવી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube