ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી બેઠકમાં એક એટલે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક. જેનું ભવિષ્ય નક્કી કરે છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકો. જેઓ નોકરી, ધંધો કે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકોટની દક્ષિણ બેઠક શહેરની મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ફેલાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા મતદારોનું પ્રભુત્વ:
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 58 હજાર 95 મતદારો છે. જેમાંથી 1 લાખ 32 હજાર 714 પુરુષ મતદારો અને 1 લાખ 25 હજાર 375 મહિલા મતદારો છે. 40 ટકા વસતિ સાથે અહીં પાટીદારોનું પ્રભુત્વ સૌથી વધારે છે. લેઉઆ પટેલ અને કોળી પટેલ મતદારોનો અહીં દબદબો છે.  અહીં ઓબીસી મતદારો 25 ટકા છે તો જનરલ મતદારો 20 ટકા છે. જ્યારે આ બેઠક પર 15 ટકા અન્ય મતદારો છે. 


શું છે બેઠકનું રાજકીય ગણિત?
રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વે છે. ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાટીદારોને ટિકિટ આપી હતી. ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ગોવિંદ પટેલ અહીંથી જીત્યા હતા. તો કોંગ્રેસની ટિકિટ પરથી ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી દિનેશ ચોવટિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં હાર અને જીત માટે જ્ઞાતિગત સમીકરણો ખૂબ જ મહત્વના છે. છેલ્લી બે ટર્મથી અહીંથી ગોવિંદ પટેલ ધારાસભ્ય છે. જેઓ મંત્રી પણ રહી ચુક્યા છે. આ બેઠક જીતવા માટે જ્ઞાતિગત સમીકરણો બેલેન્સ કરવું મહત્વનું છે.


2022માં પરિવર્તન કે પુનરાવર્તન?
આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે અહીંથી અનેક દાવેદારો છે. વર્તમાન ધારાસભ્યની દાવેદારી તો છે જ, સાથે જ તેમના નજીકના સાથીએ પણ દાવેદારી કરી છે.નિરીક્ષકો સેન્સ લેવા પહોંચે તે પહેલા ધારાસભ્ય ગોવિંદ પટેલના નજીકના ગણાતા જયંતિ સરધારાએ દાવેદારી કરી છે. સાથે જ કહ્યું છે કે, ગોવિંદ પટેલને ટિકિટ મળશે તો તેમનું સમર્થન કરવામાં આવશે. નહીં તો પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે અમને માન્ય રહેશે.


આ બેઠક પર જીત કે હાર માટે સ્થાનિકોના પ્રશ્નો અને તેમનો ઉકેલ મહત્વનો રહેશે. આ બેઠક પર સૂચિત સોસાયટી આવેલી છે. જેઓ રેગ્યુલરાઈઝ કરવાની માંગણઈ કરી રહ્યા છે. સાથે જ અહીં પીવાના પાણીની પણ સમસ્યા છે. જે ઉમેદવાર પાસેથી જનતાને આ પાયાની સમસ્યાના નિરાકરણની ખાતરી મળશે તેમને પ્રજા ચૂંટશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube