વિધાનસભાની વાતઃ કોણ બનશે રાવપુરાના રાવ? જાણો વાયદા અને આપની રેવડીનું શું થશે
Gujarat Assembly Election 2022/ વિધાનસભાની વાત: વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે વડોદરા. એમાંય અહીની રાવપુરા બેઠક એ ખુબ પોષ વિસ્તાર ગણાય છે. ત્યારે શું છે અહીંની જનતાનો મિજાજ? અહીંના લોકો કોને બનાવવા માંગે છે રાવપુરાના રાવ? કોને ટિકિટ અપાશે અને કોનું પત્તુ કપાશે જાણો સમગ્ર વિગતો...વિધાનસભાની વાતમાં...
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ભાજપે સત્તા ટકાવી રાખવા પ્રચાર-પ્રસારનું તંત્ર કામે લગાવ્યું છે. તો બીજી તરફ દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ પોતાનો પગ જમાવવા મથામણ કરી રહી છે. જ્યારે વર્ષો જૂની પાર્ટી એવી કોંગ્રેસ હજુ પણ આ ચૂંટણીમાં કોઈ ખાસ તૈયારીમાં દેખાતી નથી. વાત કરીએ વડોદરાની તો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક બેઠક એવી છે જ્યાં કોઈ જ્ઞાતિ-જાતિનું ગણિત ચાલતું નથી. અમે વાત કરી રહ્યાં છીએ સંસ્કારનગરી વડોદરાની રાવપુરા બેઠકની..જાણો વર્તમાન સ્થિતિમાં શું છે રાવપુરાના રાજકીય સમીકરણો, કેવું છે અહીંનું જ્ઞાતિનું ગણિત અને શું છે મતદારોનો મિજાજ... આ તમામ સવાલોના જવાબો જાણો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 અંતર્ગત અમારા વિશેષ અહેવાલ...વિધાનસભાની વાતમાં...
આ પણ ખાસ વાંચોઃ AAP નું પાટીદાર કાર્ડ! જાણો ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી ક્યાંથી લડશે ચૂંટણી
વિધાનસભાની ચૂંટણીમાં કોણ બનશે રાવપુરાનો 'રાવ' એ રાવપુરનો રુઆબ અને અહીંના મતદારોનો મિજાજ જ નક્કી કરે છે. રાજકીય દ્રષ્ટ્રીએ રાવપુર બેઠકને વડોદરાની સૌથી મહત્ત્વની બેઠક ગણવામાં છે. રાવપુરા બેઠક જનસંઘ સમયથી ભાજપના હસ્તે રહી છે. અહીં મહંદઅંશે ખુબ શિક્ષિત પ્રજા વસે છે. અને આ મતવિસ્તારના લોકો વિકાસનો વોટ આપવા વરેલાં છે. અહીં જ્ઞાતિનું ગણિત અને રાજકીય સમીકરણો બહુ કામ લાગતા નથી. આ બેઠક પરથી ચૂંટાયેલ નેતા રાજ્ય સરકારમાં મોભાદાર સ્થાન મેળવતા રહ્યા છે. છેલ્લી બે ટર્મથી તો આ બેઠકને ભાજપ સરકાર દ્વારા મોભાદાર પદોની લ્હાણી થઈ રહી છે. રાજુ વકીલના હુલામણા નામે જાણીતા રાવપુરાના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી તેનું દેખિતું ઉદાહરણ કહી શકાય. પહેલી ટર્મમાં તેઓ રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હતાં. બીજી ટર્મમાં ચૂંટાતાની સાથે જ તેમને વિધાનસભાના સ્પિકર બનાવવામાં આવ્યાં. બાદમાં રાજકીય સમીકરણો સેટ થતાં તેમને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીનો મોભાદાર દરજ્જો અને મહેસૂલ જેવું મહત્ત્વનું ખાતું સોંપવામાં આવ્યું હતું. એ વાત અલગ છેકે, હાલમાં જ કોઈક બાબતે ડખો પડવાથી તેમની પાસેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ખાતું પરત ખેંચી લીધું.
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan એ દીવારમાં કેમ પહેર્યું હતું ગાંઠ બાંધેલું શર્ટ? જાણો અંદરની વાત
કોને મળી શકે છે મોકો?
ભાજપ નો રિપીટ થિયેરી અપનાવશે તો કોઈ નવો જ યુવા ચહેરો ચૂંટણીમાં દેખાશે. એવું પણ માનવામાં આવે છેકે, આ વખતે ભાજપ રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કાપીને રાવપુરા બેઠક પરથી શહેરના પૂર્વ મેયર અને મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જ્યોતિબેન પંડ્યાને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ભાજપમાંથી આ બેઠક પર શૈલેષ મહેતાને પણ મોકો મળી શકે છે. આમ આદમી પાર્ટી અહીં કોઈ સારા ઉમેદવારની શોધમાં છે. કોંગ્રેસ તરફથી નરેન્દ્ર રાવત અથવા ઋત્વિજ જોશી આ બેઠકના દાવેદાર માનવામાં આવે છે.
આ પણ ખાસ વાંચોઃ વિધાનસભાની વાતઃ એ બેઠક જ્યાં ભાજપ-કોંગ્રેસ કોઈનું નથી ચાલતું! જાણો કુતિયાણાની કહાની
'રાવપુરા તો ભાજપની ફિક્સ બેઠક છે, ત્યાં એમનું કુતરું લડે તોય જીતી જાય'
વડોદરાના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશેષજ્ઞ વિશ્વજીત પારેખ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુંકે, એવું કહેવાય છેકે, રાવપુરા તો ભાજપની ફિક્સ બેઠક છે, ત્યાં એમનું કુતરું લડે તોય જીતી જાય. વિસ્તારની દ્રષ્ટ્રીએ રાવપુરા વડોદરાનું હાર્ટ કહેવાય છે. આ ખુબ જ શિક્ષિત વિસ્તાર છે, અહીં કોઈ જેવો તેવો ઉમેદવાર બીજી પાર્ટમાંથી આવીને ભાજપને ટક્કર ન આપી શકે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈ ખાસ ઉપજે એવું લાગતું નથી. આપ વાળા અહીં સારા ઉમેદવારની શોધમાં છે. કોંગ્રેસમાં તો ભૂતકાળમાં હારેલાં હોય પણ પાર્ટીમાં સ્ટ્રોંગ હોલ્ડ હોય એમને જ તક આપે છે. રહી વાત હાલના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની તો ભલે એમની પાસે ખાતુ પરત ખેંચી લેવાયું હોય પણ તેમ છતાં તેઓ તેમનો અહી સારો હોલ્ડ છે. રાજેન્દ્ર ત્રિવેદીને કદાચ ભાજપનું જ આંતરીક રાજકારણ નડ્યું હોય એવું લાગી રહ્યું છે. ભાજપ જો નો રીપીટ થિયેરી અપનાવે તો અહીં ફેરબદલ થાય.
આ પણ ખાસ વાંચોઃ ભારતીય સેનાના સ્પેશિયલ ડોગને બે ગોળી વાગવા છતાં તેણે આતંકીને પાડી દીધો, જુઓ વીડિયો
'રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાશે, વડોદરાની બધી જ બેઠકો પર નો રીપીટ થિયેરી ચાલશે'
વડોદરાના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશેષજ્ઞ હેમંત વ્યાસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુંકે, આ વખતે રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાશે, ભાજપ વડોદરાની બધી જ બેઠકો પર નો રીપીટ થિયેરી અપનાવશે. રાજેન્દ્ર ત્રિવેદી સામે કેટલી બાબતોને લઈને પૈસાની લેતી-દેતીનો આક્ષેપ લાગ્યો હતો. આ અંગે ઓડિયો ક્લીપ પણ સામે આવી હતી. જેને પગલે તેમની પાસેથી તાત્કાલિક ધોરણે મંત્રી પદ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છેકે, રાજેન્દ્ર ત્રિવેદી અમિત શાહ લોબીના છે જ્યારે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં આનંદીબેનની લોબી જ ચાલવાની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલની ટીમના માણસ છે. એ જ રીતે હવે પ્રધાનમંત્રી મોદી અને આનંદીબેન જ ટિકિટોની ફાળવણી અંગે આખરી નિર્ણય લેશે. આ વખતે ભાજપમાંથી જ્યોતિબેન પંડ્યા અથવા શૈલેષ મહેતાને રાવપુરામાંથી ટિકિટ મળી શકે છે.
રાવપુરા બેઠક પર કોનો છે દબદબો?
રાવપુરા બેઠક પર વર્ષોથી ભાજપનું શાસન છે. 90ના દશકમાં ભાજપ જ્યારે ગુજરાતમાં પોતાનો પગ જમાવવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે વડોદરાની રાવપુર બેઠક ભાજપનો ગઢ બની ગઈ હતી. રાવપુરામાં 1980થી 2017 સુધીની કુલ 13 ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારનો 6 વાર વિજય થયો છે. આશરે 3 લાખ મતદારો ધરાવતી આ બેઠકના 95% મતદારો શહેરી અને શિક્ષિત છે. સમા અને છાણી જેવા વડોદરાની ભાગોળના ગામો પણ આ મતવિસ્તારમાં સામેલ ગણાય છે. છેલ્લા 25 વર્ષથી યોગેશ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે જંગી બહુમતી સાથે જીતતા આવ્યા છે. રાવપુર બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. જેમાં 4 ટર્મ સુધી એકમાત્ર યોગેશ પટેલે જ સાશન કર્યું છે. ત્યાર બાદ 2012મમાં નવા સિમાંકનમાં માંજલપુર વિધાનસભાનું મર્જ થયુ, તેથી તેઓ હવે માંજલપુર વિધાનસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યાર પછી છેલ્લી 2 ટર્મ વર્ષ 2012 અને વર્ષ 2017માં ભાજપમાંથી રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક પરથી જીતતા આવ્યાં છે.
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan એ કેમ કરવા પડ્યા જયા જોડે લગ્ન? જાણો 'અંગળ...મંગળ...શંગળ'નું કારણ
રાવપુરાના રાજકીય સમીકરણો:
રાવપુરા વિધાનસભા બેઠકમાં અંદાજીત 2,68,088 લાખ મતદારો છે. જેમાં 1,37,079 પુરૂષ મતદારો અને 1,30,967 મહિલા મતદારો છે. રાવપુરા બેઠકમાં જુદી જુદી જ્ઞાતિઓના મતદારો નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. જેમાં અંદાજે 42,000 જેટલા મુસ્લિમ, 40,000 જેટલા પાટીદારો, 60,000 જેટલા વાણીયા, 50,000 બ્રાહ્મણ, 30,000 મરાઠી અને 46,000 જેટલા અન્ય જ્ઞાતિઓના મતદારોનો સમાવેશ થાય છે.
જ્ઞાતિનું ગણિતઃ
ગુજરાતની તમામ બેઠકોથી વિપરિત, આ બેઠક પર કોઈપણ પ્રકારનો જ્ઞાતિવાદ નથી. આ બેઠક પર કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ નથી. આ વિસ્તારમાં પર મરાઠા ક્ષત્રિય, મરાઠી બ્રાહ્મણ, વણિક, લોહાણા ઉપરાંત રાણા, ભરવાડ, રબારી જેવા પચરંગી સમુદાયના લોકો રહે છે. કોઈ એક જ્ઞાતિનું પલડું ભારે હોય એવું અહીં બિલકુલ નથી. વિકાસને પ્રાધાન્ય આપનાર, પ્રશ્નોને વાંચા આપનાર, સ્થાનિક આગેવાન અને લોકો સાથે લાઈવ કોન્ટેક્ટ ધરાવતો નેતા અહીં જીત હાંસલ કરી શકે છે. એ જોતાં જ્ઞાતિ સમીકરણોનું બિલકુલ મહત્વ ન ધરાવતી ગુજરાતની ગણીગાંઠી બેઠકોમાં રાવપુરાનું નામ લેવું પડે.
રાવપુરા બેઠકનો ચૂંટણી ઇતિહાસ:
રાવપુર બેઠક પર ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓના પરીણામ અંગે વાત કરવામાં આવે તો, વર્ષ 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં PSPના એસ. એમ મહેતાએ 3397 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર બી. જી કોન્ટ્રાક્ટરને હરાવ્યા હતા. ત્યારે બાદ વર્ષ 1972માં ઠાકોરભાઇ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી. 1975માં ભઇલાભાઇ ગરબડદાસે NCOમાંથી 14065 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરભાઇ પટેલને હરાવ્યા હતા. વર્ષ 1980માં સી. એન પેટેલે 5592 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. ત્યાર બાદ સતત 5 ટર્મ એટલે કે વર્ષ 1990, 1995, 1998, 2002 અને 2007માં યોગેશ પટેલે ભાજપમાંથી સત્તાનું એક હથ્થું સુકાન સંભાળ્યું હતું. યોગેશ પટેલ આ બેઠક પર સતત 5 ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા અત્યાર સુધીના એકમાત્ર નેતા છે. ત્યાર બાદ 2012મમાં નવા સિમાંકનમાં માંજલપુર વિધાનસભાનું મર્જ થયુ, તેથી તેઓ હવે માંજલપુર વિધાનસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યાર બાદ વર્ષ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક જીતી રહ્યા છે.
રાવપુરાની રાજકીય રેકોર્ડ બુકઃ
ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
2012 રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ
2007 યોગેશ પટેલ ભાજપ
2002 યોગેશ પટેલ ભાજપ
1998 યોગેશ પટેલ ભાજપ
1995 યોગેશ પટેલ ભાજપ
1990 યોગેશ પટેલ જેડી
1985 રમેશભાઇ ઠાકોર કોંગ્રેસ
1980 સી. એન પટેલ કોંગ્રેસ
1975 ભઇલાભાઇ ગરબડદાસ એનસીઓ
1972 ઠાકોરભાઇ પટેલ કોંગ્રેસ
1967 એસ. એમ મહેતા પીએસપી
એક તરફ વર્તમાન ભાજપ સરકાર પોતાની સત્તા યથાવત રાખવા અને ગત ટર્મ કરતા આવખતે બેઠકોની દ્રષ્ટ્રીએ નંબર વધારવા માટે મથામણ કરી રહી છે. તો બીજી તરફ દિલ્લીથી પેરાશૂટની જેમ આવીને રિક્ષાઓમાં ફરી ફરીને પ્રચાર કરતી આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં પોતાનું કિસ્મત આજમાવવા માટે મહેનત કરી રહી છે. આ દરમિયાન પહેલીવાર પરંપરાગત પક્ષ એવી કોંગ્રેસ પાર્ટી આ યાદીમાં છેક હાંસિયામાં ધકેલાયેલી જોવા મળી રહી છે. ત્યારે સભાઓ અને લોકાર્પણથી લઇને રાજ્યમાં દિલ્લીના દિગ્ગજ નેતાઓના આંટાફેરા સૂચવે છે કે આ વર્ષે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની રહેશે.
રાવપુરામાં ભાજપનો રેકોર્ડ ટ્રેકઃ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1998 યોગેશ પટેલ ભાજપ 25330
2002 યોગેશ પટેલ ભાજપ 64554
2007 યોગેશ પટેલ ભાજપ 52923
2012 રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ 41535
2017 રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ 36650
છેલ્લી બે ટર્મથી ભાજપમાંથી રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા બેઠક પરથી ચૂંટાઈ રહ્યાં છે. આ વખતે પણ તેઓ મજબૂત દાવેદાર ગણાતા હતા, પરંતુ અચાનક કોઈ કારણ આપ્યા વગર તેમની પાસેથી મહેસુલ મંત્રાલય છીનવી લેવાયું એ પછી હવે તેમની ટીકિટ પણ જોખમમાં હોવાનું મનાય છે. એ સંજોગોમાં ભાજપ અહીં આશ્ચર્યજનક યુવા ચહેરાને આગળ કરે તેવી શક્યતા છે. વડોદરા શહેર અને એમાંય રાવપુરા વિસ્તાર એ અહીંનું હાર્ટ ગણાય છે. એવામાં અહીંના મતદારો શિક્ષિત હોવાથી એને કોઈ ઉઠા ભણાવી જાય તેવું શક્ય નથી. જેને પગલે અહીં પ્રજા તુરંત જ તેમના ધારાસભ્ય કે નેતા પાસે કરેલા વાયદાઓ અને કામનો હિસાબ માંગે છે. પીવાના પાણીની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને ટ્રાફિકના સમસ્યા અહીં પાયાના પ્રશ્નો છે. મનપા દ્વારા હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને રાવપુરાના લોકો નક્કી કરશે કે તેઓ આ વખતે કોને રાવ બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube