વિધાનસભા ચૂંટણી માટે AAP એ ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી, જાણો ક્યાંથી કયો ઉમેદવાર લડશે ચૂંટણી
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. એક બાદ એક AAP દ્વારા ઉમેદવારોની નવી યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે.
રઘુવીર મકવાણા, બોટાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આ વખતે જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે, અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ ઠેકઠેકાણે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ બોટાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને AAP ની આઠમી યાદી જાહેર કરી. આમ આદમી પાર્ટીની આઠમી યાદીમાં કુલ 22 બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી.
ગુજરાત જીતવા કેજરીવાલે કમરકસીઃ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા અને ભાજપના વિજયરથને અટકાવવા માટે આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે અને વિવિધ ગેરન્ટીઓ આપી રહ્યાં છે. દિલ્હીના શિક્ષણ મંત્રી સહિતના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર પ્રસાર અર્થે હવે કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે રહેશે વાત પણ નક્કી છે.
આ પહેલાં પણ AAP દ્વારા 7 યાદી કરાઈ છે જાહેરઃ
ભાજપ અને કોંગ્રેસ હજી ઉમેદવારોને લઇને ચર્ચા કરી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથીજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે 7 યાદીઓ જાહેર કરાઈ ચુકી છે. આ પહેલા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ચ ગુજરાત અને અમદાવાદની કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતા. આજે નવા 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. નજીકના સમયમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની બેઠક પણ જાહેર કરાય તેવી શક્યતા છે. સૂત્રોની માનીએ તો ગોપાલ ઈટાલિયા બોટાદ બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.