ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું મહેમદાબાદ વિધાનસભાની વાત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેમદાવાદ ખેડા જિલ્લામાં આવેલું મુખ્ય શહેર અને મથક છે. આ શહેરને મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું. જેના કારણે શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવ્યું હતું. અને સમયાંતરે તેનું નામ મહેમદાવાદ થઈ ગયું. મહેમદાવાદ ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે વસેલું શહેર છે. મહેમદાવાદનું નિર્માણ અહમદ શાહના પૌત્ર મહમૂદ બેગડાએ કરાવ્યું હતું. અને તેને પહેલા શાસક મહમૂદના નામ પર મહમૂદાબાદ નામ આપવામાં આવ્યું હતું. અહીંયા અનેક ઐતિહાસિક સ્થળ છે. જેમાં ભમ્મરિયો કૂવો, ચંદ્ર-સૂરજનો મહેલ અને રોજા-રોજી દરગાહ મુખ્ય છે. આ વિસ્તાર ખેડા જિલ્લામાં આવે છે.


1802માં મહમૂદાબાદમાં બ્રિટીશ શાસનની સ્થાપના થઈ હતી. બ્રિટીશ શાસન દરમિયાન, તાલુકા સ્તરે, ન્યાય અને રેવન્યુ વિભાગના પ્રમુખ અને એક પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી. બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રેજોએ મહમૂદાબાદનું નામ બદદલીને મહેમદાવાદ કરી દીધું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહેમદાવાદનું બહુ મોટું યોગદાન છે. રાષ્ટ્રના પ્રસિદ્ધ લોક સેવકોમાંથી એક રવિશંકર મહારાજ મહેમદાવાદ તાલુકાના સરસવાણી ગામના હતા. અને તેમની પ્રેરણાથી રાષ્ટ્રીય આંદોલન આ ગામ સુધી પહોંચ્યું હતું.


બેઠકનો રાજકીય ઈતિહાસ:
આ સીટ પર અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઈ છે. અહીંયા પહેલીવાર 1962માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સ્વતંત્ર પાર્ટીના રમણલાલ પટેલ ધારાસભ્ય બન્યા હતા. તેના પછી 1967થી લઈને 1990 સુધી કોંગ્રેસ અને કોંગ્રેસ સમર્થિત પાર્ટીનો દબદબો રહ્યો હતો.1990 જનતા દળથી સુંદરસિંહ ચૌહાણ ધારાસભ્ય બન્યા. જોકે પછી તે બીજેપી સાથે જોડાયા અને 1995માં પહેલીવાર બીજેપીએ આ સીટ પર કબજો કર્યો.


બેઠક પર મતદારો:
મહેમદાવાદ બેઠક પર કુલ 2 લાખ 29 હજાર 659 મતદારો છે. જેમાં 1 લાખ 17 હજાર 882 પુરુષ મતદારો અને 1 લાખ 11 હજાર 771 મહિલા મતદારો છે.


2017નું પરિણામ:
2017માં મહેમદાવાદ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના અર્જુનસિંહ ચૌહાણની જીત થઈ હતી. તેમણે 20,915 મતથી કોંગ્રેસ ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણને પરાજય આપ્યો હતો.


મહેમદાવાદ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર            પક્ષ

1962  રમણલાલ પટેલ              સ્વતંત્ર
1967  જે.એચ.જાદવ                કોંગ્રેસ
1972  ફૂલસિંહજી સોલંકી         એનસીઓ
1975  રમણભાઈ પટેલ             અપક્ષ
1980  બંસીલાલ પંડ્યા           કોંગ્રેસ
1985  પ્રભાતસિંહ ચૌહાણ       જેએનપી
1990  સુંદરસિંહ ચૌહાણ         જનતા દળ
1995  જશવંતસિંહ ચૌહાણ     ભાજપ
1998  સુંદરસિંહ ચૌહાણ         ભાજપ
2002  સુંદરસિંહ ચૌહાણ         ભાજપ
2007  સુંદરસિંહ ચૌહાણ          ભાજપ
2012  ગૌતમભાઈ ચૌહાણ     કોંગ્રેસ
2017  અર્જુનસિંહ ચૌહાણ        ભાજપ


બેઠકની સમસ્યાઓ:
આ વિધાનસભા વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ નથી. જેના કારણે રોજગાર માટે અમદાવાદ કે વડોદરા જવું પડે છે. અહીંયા પાણી, રોડ અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube