ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓલપાડ વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ અને AAP વચ્ચે સીધો જંગ ખેલાઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન સક્રિય હતું ત્યારે પણ ભાજપે આ પાટીદાર બાહુલ્ય બેઠકને જાળવી રાખી હતી. સુરતની અન્ય બેઠકોની જેમ જ ઓલપાડ બેઠક પણ ભાજપનો ગઢ છે. 1990થી એટલ કે સાત ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે. અત્યાર સુધી અહીં મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેતો હતો, જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. એટલે આ વખત ત્રિપાંખિયો જંગ ખેલાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલપાડ બેઠકનાં જાતિગત સમીકરણ:
સુરત શહેરથી કિમ જતા માર્ગ પર આવેલા ઓલપાડ તાલુકામાં 3.59 લાખ જેટલા મતદારો છે, જેમાંથી 1.91 લાખ પુરૂષ અને 1.67 લાખ મહિલા મતદારો છે. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનું પ્રભુત્વ છે. મતદારોનું જ્ઞાતિવિષયક વિભાજન જોઈએ તો કોળી પટેલ અને પાટીદાર મતદારો અહીં નિર્ણાયક છે. કોળી સમુદાયમાં પણ તળપદા કોળીઓની વસ્તી વધુ છે. ઓલપાડ બેઠક પર 80 હજાર કોળી પટેલ, 60 હજાર પાટીદાર મતદારો, 53 હજાર મુસ્લિમ તેમજ 35 હજાર જેટલા ઓબીસી મતદારો છે.


રાજકીય સમીકરણો:
ભાજપનાં મુકેશ પટેલ છેલ્લી બે ટર્મથી ઓલપાડથી ચુંટાઈ રહ્યા છે. 2017માં તેમણે 61,578 મતોની સરસાઈથી કોંગ્રેસનાં યોગેન્દ્રસિંહ બાકરોલાને હરાવ્યા હતા. કોંગ્રેસ છેલ્લે 1985માં આ બેઠક પર જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો.


AAPનો ઉમેદવાર નક્કી?
આમ આદમી પાર્ટીએ હજુ ઓલપાડમાં ઉમેદવાર જાહેર નથી કર્યો. જો કે એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને ઓલપાડથી ચૂંટણી લડાવી શકે છે. પાટીદાર મતદારો નિર્ણાયક હોવાથી AAP અલ્પેશ કથીરિયા પર દાવ લગાવી શકે છે. જો કે ભાજપ ઉમેદવાર બદલે છે કે રીપિટ કરે છે, તેના પર પણ ઘણો આધાર છે.


વર્ષ         વિજેતા ઉમેદવારનુ નામ       પક્ષ
2017      મુકેશ પટેલ                            BJP
2012      મુકેશ પટેલ                             BJP
2007      કિરીટ પટેલ                            BJP
2002     ધનસુખ પટેલ                          BJP
1998     ધનસુખ પટેલ                          BJP
1995     ભાગુભાઈ પટેલ                      BJP
1990     ભાગુભાઈ પટેલ                        BJP


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube