ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. પહેલાં તબક્કાની 89 બેઠકોના ઉમેદવારી ફોર્મ સોમવારે ભરાઈ ચૂક્યાં છે. જેમાં ઉડીને આંખે એવી એક વાત એ સામે આવી છેકે, આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારી કરવા માટે જાણે રાફડ઼ો ફાટી નીકળ્યો છે. એમાંય સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં ઉમેદવારી માટે સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતરી પડયાં હતાં. એક તરફ રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સરકારના મંત્રી રહી ચૂકેલાં ચહેરાઓ આ વખતે કપાયા છે. એટલે કે ભાજપે યેનકેન પ્રકારે તેમને ચૂંટણી ન લડવા માટે મનાવી લીધાં છે. ત્યારે બીજી તરફ રાજકોટમાંથી જ એક એક બેઠકો પર ઢગલાં બંધ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. આ વસ્તુ રાજકોટમાં સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે એ વાતની ચાડી ખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે આજે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું પૂર્ણ થયું છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર કુલ 170 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 28 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 69 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 26 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજકોટ વિધાનસભા 70 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 27 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 71 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 25 ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યની બેઠકો પર નજર કરીએ તો જસદણ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 ફોર્મ, ગોંડલ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 10 ફોર્મ, જેતપુર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 16 ફોર્મ તથા ધોરાજી બેઠક પર અત્યાર સુધીમાં કુલ 21 ફોર્મ ભરાયા છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube