ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ઉના વિધાનસભાની વાત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ઉના વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે બદલાતા સમયમાં કોંગ્રેસ માટે આ સીટ પર ટકી રહેવું સરળ નથી. આ બેઠક પર 1962થી 2017 સુધી યોજાયેલી ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ જાતિ નહીં પરંતુ ઉમેદવારની કાર્યશૈલી મહત્વપૂર્ણ રહી છે.


મતદારોનું સમીકરણ:
ઉના બેઠકના મોટાભાગના ગામડા સમુદ્ર કિનારે વસેલા છે. આ સીટ પર મોટાભાગના ગામડા ગીર જંગલમાં વસેલા છે. ઉના વિધાનસભા વિસ્તારમાં કુલ 79 હજાર 512 મતદારો છે. જેમાંથી 40 હજાર 726 પુરુષ અને 38 હજાર 786 મહિલા મતદારો છે. આ સીટ પર કોળી સમુદાયનો વધારે પ્રભાવ રહે છે.ખાસ વાત એ છે કે આ સીટ પર કોળી સમુદાયના લોકો પાટીદારોનું સમર્થન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. કદાચ પહેલીવાર પટેલ અને કોળી નેતા એકજૂટ જોવા મળી રહ્યા છે. આ જ કારણે બંને સમાજના વર્ચસ્વવાળી બેઠક ઘણી મહત્વની બની ગઈ છે.


શું છે રાજકીય સમીકરણ:
છેલ્લા અઢી દાયકાથી ગુજરાતની સત્તા પર ભાજપનો કબજો છે. જોકે કેટલીક સીટો એવી છે જ્યાં આજ દિન સુધી ભાજપ કબજો કરી શક્યું નથી. તેમાંથી એક સીટ છે ઉના. અહીંયા બીજેપીએ 1962માં યોજાયેલી પહેલી ચૂંટણીથી લઈને 2017ની ચૂંટણી સુધી માત્ર એક જ વાર જીત મેળવી છે. જે સાબિત કરે છે કે ઉના બેઠક પર કઈ હદે કોંગ્રેસનો દબદબો છે. માત્ર 2007માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના કાળુભાઈ રાઠોડે કોંગ્રેસના પૂંજા વંશ સામે 10,000 કરતાં વધારે મતથી બેઠક જીતી હતી. આ સીટ પર અત્યાર સુધી પૂંજા વંશ 6 વખત જીત મેળવી ચૂક્યા છે. તેની સાથે જ તે આ સીટને કોંગ્રેસનો ગઢ બનાવી ચૂક્યા છે.


શું હતું 2017નું પરિણામ:
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પૂંજાભાઈ વંશને 72 હજાર 775 મત મળ્યા હતા. જ્યારે ભાજપના હરિભાઈ સોલંકીને 67 હજાર 847 મત મળ્યા હતા. પૂંજાભાઈ વંશનો 5528 મતથી વિજય થયો હતો.


ઉના બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ    વિજેતા ઉમેદવાર            પક્ષ

1962  ઋતુભાઈ અદાણી          કોંગ્રેસ
1967  પી.જે.ઓઝા                   કોંગ્રેસ
1972  ઋતુભાઈ અદાણી         કોંગ્રેસ
1975  રસિકચંદ્ર આચાર્ય             એસપી
1980  ઉકાભાઈ ઝાલા                કોંગ્રેસ
1985  ઉકાભાઈ ઝાલા                કોંગ્રેસ
1990  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ
1995  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ
1998  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ
2002  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ
2007  કાળુભાઈ રાઠોડ           ભાજપ
2012  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ
2017  પૂંજાભાઈ વંશ              કોંગ્રેસ


શું છે વિસ્તારની સમસ્યા:
ઉના વિસ્તાર ક્ષેત્રફળમાં મોટો છે. પરંતુ નાના શહેરો અને ગામડામાં વહેંચાયેલા છે. 25થી 2000ની વસ્તીવાળા નાના ગામડામાં હજુ પણ બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યાં સુધી કે ગામડામાં વિજળી, પાણી, રસ્તા, શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પણ નથી. કોંગ્રેસના ધારાસભ્ય આ સીટ પરથી 6 વખત ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા છે. પરંતુ જનતાના હિત માટે ખાસ કોઈ કામ કરી શક્યા નથી. દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તાર વિકાસના મામલામાં ઘણો પાછળ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube