ઝી બ્યૂરો, અમદાવાદઃ લિંબાયત મતવિસ્તાર અત્યાર સુધી ભાજપનો ગઢ રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સમીકરણો બદલાઈ શકે છે. મુસ્લિમ સમુદાયે સંગીતા પાટીલને ટેકો આપીન તેમની દાવેદારીને પ્રબળ બનાવી છે. સુરત શહેરની લિંબાયત બેઠક પર 2022માં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક બે ટર્મથી ભાજપ પાસે છે. ત્યારે આ વખતે અહીં ત્રિકોણીય જંગ ખેલાવાનો છે. સંગીતા પાટીલ બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંબાયત બેઠકના જાતિગત સમીકરણો-
લિંબાયત બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2.58 લાખ જેટલી છે. જેમાંથી પુરુષ મતદારો 1.46 લાખ, મહિલા મતદારો 1.12 લાખ તેમજ અન્ય મતદારોની સંખ્યા 6 જેટલી છે. લિંબાયતમાં પરપ્રાંતિય લોકોની બહુમતિ છે. રોજગાર માટે અન્ય રાજ્યોમાંથી અહીં આવીને વસેલા લોકોનું પ્રમાણ મોટું છે. આ બેઠક પર મૂળ મહારાષ્ટ્રનાં લોકોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત મુસ્લિમો, મૂળ સુરતી અને ઉત્તર ભારતીયોની પણ મોટી વસ્તી છે.


આંકડાકીય રીતે જોઈએ તો લિંબાયત બેઠક પર મરાઠી મતદારોની સંખ્યા 80 હજાર જેટલી, મુસ્લિમ મતદારોની સંખ્યા 76 હજાર જેટલી, મૂળ સુરતનાં લોકોની સંખ્યા 28 હજાર જેટલી તેમજ ઉત્તર ભારતીયોની સંખ્યા 30 હજાર જેટલી અને આંધ્રનાં લોકોની વસ્તી 12 હજાર જેટલી છે...


સંગીતા પાટીલની દાવેદારી નક્કી?
2017માં લિંબાયતમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે હતો. આ વખતે તેમાં આમ આદમી પાર્ટીનો ઉમેરો થયો છે. આપે મૂળ મરાઠી પંકજ તાયડેને ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ મુસ્લિમ સમુદાયે સંગીતા પાટીલને રિપીટ કરવાની માગ સાથે તેમને સમર્થન આપ્યું છે. જેના કારણે સંગીતા પાટીલની દાવેદારી વધુ મજબૂત બની છે. 2017માં આ બેઠક પર એનસીપી સિવાય તમામ પક્ષોએ મરાઠી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જો કે નવાઈની વાત એ હતી કે એનસીપીનાં મુસ્લિમ ઉમેદવાર અકરમ અંસારીને માત્ર 5,132 મત મળ્યા હતા.


વિધાનસભા ચૂંટણીમાં લિંબાયતનો હિસાબઃ
​વર્ષ                   વિજેતા                        પક્ષ

2017        સંગીતા પાટીલ              બીજેપી
2012        સંગીતા પાટીલ                બીજેપી


2017નો મુકાબલો-
2017માં  પાટીદાર અનામત આંદોલનની લિંબાયતમાં નહીવત્ અસર જોવા મળી હતી. જો કે આ વખતે અહીં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 2012માં સંગીતા પાટીલે કોંગ્રેસના સુરેશ સોનવણેને 30,209 મતે પરાજિત કર્યા હતા. જ્યારે 2017માં સંગીતા પાટિલે કોંગ્રેસનાં રવિન્દ્ર પાટીલને 31,951 મતે હરાવ્યા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા રવિન્દ્ર પાટિલને ટિકીટ ન મળતા તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેઓ ભાજપનાં ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા પણ ખરા, જો કે જીતી ન શક્યા. લિંબાયત વિસ્તારની મુખ્ય સમસ્યાઓમાં અપૂરતું અને દૂષિત પાણી તેમજ ખરાબ રસ્તાનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube