2022-23 : હેપ્પી દિવાળી તો ભૂપેન્દ્ર પટેલ સરકારની, સંગઠન માટે તો કાળી ચૌદસ
Gujarat Politics : ગુજરાતના રાજકારણના 2022-23ના વર્ષના લેખા જોખા જોઈએ તો સરકારનું કદ વધ્યું છે અને સંગઠનનું સતત ઘટતું ગયું છે. જેના કારણો પણ છે
Gujarat BJP : રૂપાણી સરકારને સાગમટે ઘરભેગી કરી દેવાયા બાદ ગુજરાતમાં ભાજપ સંગઠન એ ચડતો સૂરજ ગણાતું હતું. કમલમથી બોલાતો દરેક શબ્દ સરકાર માટે બ્રહ્મવાક્ય ગણાતું અને સરકારના દરેક મંત્રીઓએ સપ્તાહમાં 2 દિવસ બેસવા કમલમ જવું પડતું હતું. હા જી હા કરવાનો શરૂ થયેલો દોર હવે બદલાઈ ગયો છે. આજે કાળી ચૌદસ અને કાલે દિવાળી અને એક ધોકા બાદ નવા વર્ષની શરૂઆત થશે પણ 2022-23ના વર્ષને જોઈએ તો હાલમાં હેપ્પી દિવાળી સરકારની છે અને સંગઠન માટે કાળી ચૌદસ જેવો માહોલ છે. સીએમ રૂપાણી સરકારનું રાજીનામું લેવાઈ ગયા બાદ રચાયેલી સરકાર એક સ્ટેમ્પ પેપર હોય એવો ગુજરાતમાં માહોલ હતો. એ સમયે સરકાર અને સંગઠનમાં ભાજપ સંગઠનનું પ્રભુત્વ હતું. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી માથે હોવાથી એકાએક રચાયેલી 20 સભ્યોની કોર કમિટી માટે સંપૂર્ણ જવાબદારી આવી હતી. આજે આ કોર કમિટીનું ગુજરાત ભાજપમાં અસ્તિત્વ જ નથી. કોર કમિટીનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. ભાજપ સંગઠનમાં બેઠેલા નેતાઓ મંત્રીઓને સીધા આદેશો કરતા હતા. ખુદ સીએમને પણ સીઆર પાટીલના બંગલે જવું પડતું હોવાના દ્રશ્યો ગુજરાતે જોયા છે ,પણ 156 સીટોની રેકોર્ડબ્રેક જીત બાદ સમીકરણો બદલાઈ ગયા છે. આજે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એ ભાજપનો મુખ્ય ચહેરો છે અને સરકાર અને સંગઠનમાં એમનો પડતો બોલ ઝિલાઈ રહ્યો છે.
સંગઠનના વળતા પાણી પાછળ ઘણા કારણો જવાબદાર
ભાજપ સરકાર અને સંગઠનના એક વર્ષના લેખાં જોખાં જોઈએ તો સરકારનું કદ વધ્યું છે અને સંગઠનનું સતત ઘટતું ગયું છે. જેના કારણો પણ છે. ભાજપ હાઈકમાન્ડે સંગઠનને અપાયેલી પૂરતી છૂટો પણ આ માટે જવાબદાર છે. આજે ભાજપ સંગઠનમાં 2 મહામંત્રીઓને ઘરભેગા કરી દેવાયા છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટનો સમાવેશ થાય છે. આ સાથે પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીના રાજીનામા પાછળ વિદેશ જવાનું બહાનું છે પણ સૌ કોઈ જાણે છે કે કેમ એમને રાજીનામું આપવું પડ્યું છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સામે રીતસરનું પત્રિકા યુદ્ધ ખેલાયું છે અને મોટા આક્ષેપો કરાયા છે. ભાજપના નેતાઓએ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે પત્રિકા વોર શરૂ કરી હતી. આ પ્રકરણ હાલમાં પોલીસ ચોપડે હોવા છતાં ઘી ના ઠામમાં ઘી ઢળે એમ હાઈકમાન્ડના દબાણથી આ મામલે સૌએ ચૂપકીદી સાધી લીધી છે પણ સંગઠનના વળતા પાણી પાછળ ઘણા કારણો જવાબદાર છે.
મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દિવાળીએ શણગારાયું, ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ
સંગઠનને પૂછ્યા વિના સરકારમાં પાણી પણ પીવાતું ન હતું, આજે ચિત્ર બદલાયું
ભાજપ સંગઠનના ઘણા નેતાઓએ સરકારમાંથી મલાઈ મેળવી હોવાની ચર્ચાઓ છે. આ મામલે ભાજપના વિરોધી જૂથોએ છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી ફરિયાદો કરી છે. એક સમયે સંગઠનને પૂછ્યા વિના સરકારમાં પાણી પણ પીવાતું ન હતું. આજે સ્થિતિ એવી છે કે સંગઠનના કોઈ પણ નેતાની ભલામણ પહેલાં સીએમઓ સુધી પહોંચે છે. સીએમઓની એપ્રૂવલ બાદ મંત્રી સુધી પહોંચે છે. આમ હવે સંગઠનની ભલામણોને ચાર ગાળણીએ ચારીને આગળ વધારાય છે. કોઈ પણ પાર્ટી માટે સંગઠનના સહયોગ વિના કામગીરી અધૂરી હોવાનું જાણતું દિલ્હી હાઈકમાન્ડ હાલમાં ભલે ચૂપ છે પણ ઘણા નેતાઓની પાંખો કપાઈ ગઈ છે.
CMOનો રોલ વધ્યો
સામે ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરીની ગુજરાતમાં સતત ચર્ચાઓ રહી છે. ભાજપ હાઈકમાન્ડના સહયોગથી સરકાર સતત વિકાસના કામો કરી રહી છે. ઓછા મંત્રી મંડળ વચ્ચે ભૂપેન્દ્ર પટેલે એ સાબિત કરી બતાવ્યું છે કે અધિકારીઓના સહયોગથી એ શક્ય છે. આજે સ્થિતિઓ બદલાઈ ગઈ છે. હવે કમલમથી થતા આદેશોને સીરિયસલી આજે પણ એટલા જ લેવાઈ રહ્યાં છે પણ એમાં CMOનો રોલ વધ્યો છે.
51 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠ્યો ભુજીયો ડુંગર, સ્મૃતિ વનમાં ટમટમતા દીવડાંનો અદભૂત ડ્રોન નજારો
સંગઠન કરતાં સરકારનું રાજ્યમાં વધુ મહત્વ
સરકાર અને સંગઠનના દરેક કાર્યક્રમોમાં ભૂપેન્દ્ર પટેલને આગળ કરાઈ રહ્યાં છે. પહેલાં કેટલાક IAS અને IPS કમલમ પૂછીને પાણી પીતા હવે સ્થિતિઓ બદલાઈ છે. ભૂપેન્દ્ર પટેલે એ સાબિત કરી દીધું છે કે સંગઠન કરતાં સરકારનું રાજ્યમાં વધુ મહત્વ છે. 156 સીટોની રેકોર્ડબ્રેક જીત બાદ હવે લોકસભા જીતાડવાની જવાબદારી પણ સંગઠનની મદદથી ભૂપેન્દ્ર પટેલના શીરે છે. ધીરે ધીરે ભૂપેન્દ્ર પટેલ એ બાહુબલી થઈ રહ્યાં છે. આમ છેલ્લા એક જ વર્ષના લેખાંજોખાં જોઈએ તો ભાજપના રાજમાં પાવર સેન્ટર બદલાઈ ગયું છે. હાલમાં હેપ્પી દિવાળી સરકારની છે અને હાલનો માહોલ સંગઠન માટે કાળી ચૌદસ જેવો છે.
Good News : ગુજરાત સરકારના આ વિભાગના કર્મચારીઓને મોટો ધન લાભ! ભથ્થામાં વધારો થયો