ભાજપનું મિશન 2022 : કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની ગલીએ ગલીએ ફરશે
16 ઓગસ્ટથી કેન્દ્ર સરકારના નવા મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થશે. દેશભરના 200થી વધુ સંસદીય વિસ્તારોમાં નવનિયુક્ત 43 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ લઈને લોકો વચ્ચે જશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંત્રીઓની આ યાત્રા યોજાશે. જેમાં પ્રદેશના પદાધિકારીઓ જોડાશે અને સાથે જ સ્થાનિક સામાજિક, ધાર્મિક, રમતગમત ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત કરશે. આ યાત્રાને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતના મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે ગઈકાલે બેઠક કરી હતી.
બ્રિજેશ દોશી/ગાંધીનગર :16 ઓગસ્ટથી કેન્દ્ર સરકારના નવા મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થશે. દેશભરના 200થી વધુ સંસદીય વિસ્તારોમાં નવનિયુક્ત 43 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ લઈને લોકો વચ્ચે જશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંત્રીઓની આ યાત્રા યોજાશે. જેમાં પ્રદેશના પદાધિકારીઓ જોડાશે અને સાથે જ સ્થાનિક સામાજિક, ધાર્મિક, રમતગમત ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત કરશે. આ યાત્રાને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતના મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે ગઈકાલે બેઠક કરી હતી.
ગત મહિને મોદી સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં 43 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં કેટલાક મંત્રીઓને પ્રમોશન મળ્યું હતું, તો કેટલાક મંત્રીઓ નવું સ્થાન મળ્યું હતું. કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશ બાદ હવે આ મંત્રીઓ પોતાના સંસદીય ક્ષેત્રની સાથે તેની આસપાસના 3-4 સંસદીય વિસ્તારોની મુલાકાત લેશે. લોકોના આશીર્વાદ મેળવવાના ઉદેશ સાથે આ યાત્રાનું નામ જન આશીર્વાદ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં તમામ કેન્દ્રીય મંત્રીઓ જે તે સંસદીય વિસ્તારના પ્રતિષ્ઠિત સામાજિક, શૈક્ષણિક, રમતગમત, ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત કરશે અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ અંગે માહિતી પણ આપશે. કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરમાં કરેલી કામગીરી અને વેક્સિનેશન અંગેની માહિતી કેન્દ્રીય મંત્રીઓ લોકો સુધી પહોંચાડશે.
આ પણ વાંચો : અજગર વાંદરાનું આખું બચ્ચું ગળી ગયો અને પછી સલવાયો
16 ઓગસ્ટથી કેન્દ્રીય મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાતમાં મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે ગુજરાતમાં યાત્રાના આયોજન અંગે ચર્ચા કરી હતી. તેમજ યાત્રાના મુદ્દાઓ અને મહત્વ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે માર્ગદર્શન આપ્યુ હતું. ગુજરાતમાં 5 કેન્દ્રીય મંત્રીઓની યાત્રા યોજાશે. આ દરેક મંત્રી 3-4 લોકસભા વિસ્તારોમાં યાત્રા કરશે. જેમાં પ્રદેશના પદાધિકારીઓ પણ જોડાશે. આ મંત્રીઓ સ્થાનિક લોકો પાસેથી સેન્સ મેળવશે. રાજ્યની સ્થિતિ, સામાજિક સમીકરણ, સરકાર પ્રત્યેની નારાજગી જાણવાનો પ્રયાસ કરાશે. એક પ્રકારે ભાજપ સરકાર માટે આ યાત્રા ફીડબેક યાત્રા બની રહેશે. સાથે જ રસીકરણ અને કોરોનાની બીજી લહેરમાં કેન્દ્ર સરકારની કામગીરીને લઈને પણ લોકો પાસેથી ફીડબેક મેળવાશે.
16 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ યાત્રા કરશે. જેમાં ગુજરાતના 5 કેન્દ્રીય મંત્રીઓ પણ યાત્રામાં જોડાશે.
- મનસુખ માંડવિયા રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે
- પરશોત્તમ રૂપાલા મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલીનો પ્રવાસ કરશે
- દર્શનાબેન જરદોશ આણંદ, વડોદરા, વલસાડ, નવસારી, સુરતનો પ્રવાસ કરશે
- દેવુસિંહ ચૌહાણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડાનો પ્રવાસ કરશે
- ડૉ. મહેન્દ્ર મુંજપરા અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાનો પ્રવાસ કરશે
આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર : પહેલીવાર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એક સરખા થયા!
ગુજરાતના 5 કેન્દ્રીય મંત્રીઓ પણ 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે. જેમાં પ્રદેશ ભાજપના નેતાઓ જોડાશે અને લોકો સુધી પહોંચશે. કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા 19થી 21 ઓગસ્ટ દરમિયાન યાત્રા યોજશે અને સૌથી વધુ જિલ્લાને આવરી લેશે. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ ધાર્મિક સ્થાનોની પણ મુલાકાત લેશે. આ યાત્રાથી સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ મોટો મેસેજ અપાશે, તો બીજી તરફ મિશન 2022 ની તૈયારીની પણ આ યાત્રાથી શરૂઆત થશે.
પ્રદેશ ભાજપનો દાવો છે કે, સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન સાથે આ યાત્રાઓ યોજાશે અને તેના માટે કોઈ વિશેષ રથ કે તૈયારીઓ કરવામાં નથી આવી. તમામ મંત્રીઓ પોતાની ગાડીમાં જ સમગ્ર રૂટ પર ફરશે અને 3 દિવસ દરમિયાન વધુમાં વધુ લોકોને મળશે. આ યાત્રાથી કેન્દ્રીય મંત્રીઓ સામાન્ય જનતા સાથે જોડાયેલા હોવાનો પણ મેસેજ ભાજપ આપશે તો સાથે જ આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેશે.