રક્ષિત પંડ્યા,રાજકોટ:  લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચુંટણીની તૈયારીના ભાગ રૂપે લોકસભા બેઠકો પર સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર આજે રાજકોટમાં છે અને તેઓ આજે રાજકોટની રાણીંગા વાળી ખાતે લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજશે, જેમાં રાજકોટ ભાજપ ના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ આવેલ ઓમ માથુરએ જણાવ્યું હતું કે , ગુજરાત ની ૨૬ બેઠક પૈકી ૨૩ બેઠકની સમીક્ષા કરવામાં આવી છે જયારે ૩ બેઠક પરની સમીક્ષા બાકી છે જે પૂર્ણ કરવામાં આવશે. સમીક્ષા બેઠકનો મુદો લોકસભા ચૂંટણીમાં વધુ ને વધુ લીડ મેળવવાનો હોવાનું જણાવ્યું હતું.


આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 'જે કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાય તેણે પક્ષ આવકારે છે આવા સમયે કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરવાના બદલે પોતાના ઘરની ચિંતા કરે તે મહત્વનું છે'.


જવાહર ચાવડાને મંત્રીપદ, આજે શપથ વિધિ
લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા. જવાહર ચાવડાને હવે વર્તમાન રૂપાણી સરકાર મંત્રી પદ આપવા જઈ રહી છે. જવાહર ચાવડા સરકારમાં મંત્રી બનશે અને આજે બપોરે 12.39 કલાકે રાજભવન ખાતે શપથવિધિ યોજાશે. 


જવાહર ચાવડા અંગે શું કહ્યું કોંગ્રેસે?
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શુક્રવારે વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ્રાચારી પાર્ટી છે. અને ભાજપ માટે અગાણી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 સીટોના ઉમેદવારો નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે. 


તથા એમણે એવો દાવો પણ કર્યો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી કોંગ્રેસ 20 સીટો પર વિજય મેળવશે. તથા ભાજપ લોકસભાની ચૂંટણીમાં જુઠ્ઠાણને આધારે રમશે તેવું પણ કહ્યું હતું. ભાજપ પર પ્રહાર કરતા વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ દબાણની રાજનીતિ કરી રહી છે.


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...