ઝી મીડિયા/બ્યૂરો :નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ 2022 ની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 7 કરોડની જનતા માટે બજેટમાં સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ વેરા ઝીંકવામાં આવ્યા નથી. આ સિવાય વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણથી લઈને આરોગ્ય, જળ વિભાગ, મેડિકલ ક્ષેત્ર તથા ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ. ૨,૪૩,૯૬૫ કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. પરંતુ તેની મહત્વની જાહેરાતો પર એક નજર કરીએ...


બજેટની ખાસ જાહેરાતો પર એક નજર


  • સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે

  • 3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ અપાશે 

  • દિવ્યાંગો માટે 24 કલાક વીડિયો હેલ્પલાઈન શરૂ કરાશે 

  • લિંબાયત, જસદણ,  બગસરા,પાલીતાણા, વરાછા, સંતરામપુર માં નવી સરકારી કોલેજો શરૂ થશે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવામા આવશે

  • નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો. 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન અપાશે

  • આદિવાસી વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર આગામી 2 વર્ષમાં બનાવાશે

  • ગ્રામ્ય કક્ષાએ સારી કનેક્ટિવિટી માટે ફ્રી વાઈ ફાઈની સુવિધા અપાશે, પ્રથમ તબક્કામાં 4 હજાર ગામોમાં ફ્રી વાઈફાઈ અપાશે

  • બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે

  • દિવ્યાંગ પેન્શન યોજનામાં 1000 રૂપિયા માસિક પેન્શન અપાશે

  • 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા અપાશે

  • દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે 

  • 11 લાખ વિદ્યાર્થીઓને એસટીનો મફત પાસ અપાશે 

  • શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ભોજનનો દર રૂપિયા 10 થી ઘટાડીને 5 રૂ કરાયો

  • આંતરજ્ઞાતિય લગ્નમાં સહાય 2 લાખ 50 હજાર રૂપિયા અપાશે 

  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બિલિમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.

  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે

  • પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય