બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો. કેન્દ્ર સરકારનું બજેટ પત્યાં બાદ સૌ કોઈની નજર ગુજરાત સરકારના બજેટ છે. ત્યારે કેવું રહેશે ગુજરાતનું બજેટ...જનતા જે પ્રમાણે ખોબલે ખોબલા ભરીને ભાજપને 156 સીટો સાથે જંગીબહુમત આપીને રેકોર્ડબ્રેક જીત અપાવી છે તો શું સરકાર આ બજેટમાં પ્રજાને લહાણી કરશે એ સવાલ દરેકના મનમાં છે. શું ગુજરાત સરકાર રાજ્યના જનતાને કોઈ મોટી રાહત કે કોઈ મોટી ભેટ આ બજેટમાં આપશે એ જાણવા માટે વાંચો આર્ટિકલ. કેવું રહેશે ભૂપેન્દ્ર સરકારનું બજેટ કયા મુદ્દાઓને અપાશે પ્રાધાન્ય તેના પર કરો એક નજર.... આજે સૌથી પહેલાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી ભરતીમાં થતી ગેરરીતિને અટકાવવા સરકાર વતી વિધાનસભામાં રજૂ કર્યું જાહેર પરીક્ષા વિધેયક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના શુભારંભે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનની મહત્વની બાબતો :


▪પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધીમાં 63.49 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 12,534.26 કરોડ રૂપિયા સીધા જ જમા થયા.


▪મત્સ્યયોગના વિકાસ માટે યુરોપીય યુનિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે માંગરોળ અને નવા બંદરમાં માછીમારી માટે માળખાકીય સુવિધાઓ  વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને અન્ય બંદરો તથા 33 મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ખાતે પણ આવી કામગીરી હાથ ધરવામાં આવી છે.


▪જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આરંભ કર્યો હતો. ગુજરાતમાં 71 લાખ પરિવારોના 3.47 કરોડ સભ્યો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.


▪રેશનકાર્ડનું ભારત સરકારની એપ્લિકેશન DigiLocker સાથે સંકલન કરાયું હોવાથી રેશનકાર્ડધારકો ઘેર બેઠા મોબાઈલ પર રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકે છે, તથા My Ration મોબાઈલ એપ્લિકેશન મારફતે રેશનકાર્ડને લગતી વિવિધ સેવાઓ સરળતાથી ઑનલાઇન મેળવી શકે છે.


▪ગુજરાતમાં અત્યારે 36 મેડિકલ કોલેજ કાર્યરત છે. ગયા વર્ષે  અંડર ગ્રેજ્યુએશન કોર્સ એમબીબીએસમાં સીટો ની સંખ્યા 5700 હતી, તે આ વર્ષે વધીને 6,350 થઈ છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સીટોની સંખ્યા ગયા વર્ષે 1,951 હતી, તે વધીને ₹2065 થઈ છે.


▪પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ માટે ડિસેમ્બર 2022 સુધીમાં 1કરોડ, 67 લાખ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતની 2,811 હોસ્પિટલનો આ યોજનાનો લાભ આપવા આગળ આવી છે.


▪ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા અને લોકજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક પરીક્ષણ કીટ વિકસાવવામાં આવી છે .આવી કીટ ધરાવતું ગુજરાત સમગ્ર દેશમાં સૌપ્રથમ રાજ્ય છે.


▪One Nation, One Dialysis પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના તમામ તાલુકાઓમાં ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


▪જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના :  ગુજરાતના 33 જિલ્લા, 247 તાલુકા અને 18,187 ગામોને સો ટકા હર ધર જલ ઘોષિત કરવામાં આવ્યા છે.


▪ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 16 વર્ષોમાં ખેડૂતોના વીજ દરોમાં કોઈ જ વૃદ્ધિ કરવામાં આવી નથી.


▪ગુજરાત પ્રદૂષણમુક્ત બિન પરંપરાગત ઊર્જા ઉત્પાદનને વિશેષ મહત્વ આપી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતે 19,333 મેગાવૉટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે.


▪મધ્યાન ભોજન યોજનાને હાલમાં ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના'-'પ્રધાનમંત્રી પોષણ યોજના' એવું નવું નામ આપવામાં આવ્યું છે.


▪ભારત સરકાર દ્વારા 'સ્માર્ટ સિટી મિશન' અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી છે.


▪ગુજરાત સરકારે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓના વિસ્તારમાં આવેલી ધાર્મિક સંસ્થાઓને; તેની મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે.


▪રાજ્યના વિવિધ યાત્રાધામોમાં 4,337 કિલોવૉટની ક્ષમતાના સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આથી વાર્ષિક 63.32 લાખ વીજ યુનિટ ઉત્પન્ન થશે અને અંદાજિત રૂપિયા 316.60 લાખની વીજ બચતની સંભાવના છે.


▪સિંધુ દર્શન યોજના અંતર્ગત લેહ-લદાખ ખાતે સિંધુ નદીની દર્શનયાત્રાએ જનાર ગુજરાતીઓને; પ્રતિ વર્ષ વધુમાં વધુ 300 યાત્રિકોને યાત્રિક દીઠ ₹15,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 846 યાત્રિકોએ લાભ લીધો છે.


▪કટોકટીના સંજોગોમાં  દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 21 માર્ચ 2022 થી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.


▪ગુજરાત રાજ્ય એપ્રેન્ટિસ પૉર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. 32,792 એકમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


▪વર્ષ 2021 માં સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. એમઓએસપીઆઈના સર્વે અનુસાર ભારતના બેરોજગારીના દર 4.2% સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 2.2% જ છે.


▪ઈ-શ્રમ પોર્ટલ પર તા. 13 ફેબ્રુઆરી, 2023 સુધીમાં સેલ્ફ રજીસ્ટ્રેશન તથા ઉમંગ એપ્લિકેશનના માધ્યમથી 91 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થઈ છે. 


▪ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન તાલુકા પંચાયતના વહીવટી વડા એવા તાલુકા વિકાસ અધિકારીની 100 ટકા જગ્યાઓ પ્રથમવાર ભરવામાં આવી છે. આ એક ઐતિહાસિક પગલું ગણી શકાય.


▪મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘરો માટે બાંધકામ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય કર્યો.