ગુજરાત : ચેમ્બર ઓફ કોમર્સનો સીએમને સંદેશો, આપી મોટી ચેતવણી
સાબરકાંઠામાં બાળકી સાથે બળાત્કારની ઘટના પછી ગુજરાતમાં યુપી અને બિહારના લોકો પર હુમલા થઈ રહ્યા છે
નવી દિલ્હી : ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાઓ અને તેમની પલાયન થવાની ઘટનાઓને પગલે તણાવ વ્યાપી ગયો છે. ગુજરાતના 6 જિલ્લાઓમાં પરિસ્થિતિ ભારે ખરાબ છે. ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયોમાં ભારે ડરની લાગણી વ્યાપી ગઈ છે જેના કારણે તેઓ રાજ્ય છોડીને વતન પરત ફરી રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જામી છે અને ગુજરાતમાં 15-15 વર્ષથી કામ કરી રહેલા લોકો પણ ગુજરાત છોડી રહ્યા છે. હવે પરિસ્થિતિ એટલી વણસી છે કે એની અસર બિઝનેસની દુનિયામાં પણ પડી રહી છે. ગુજરાત ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે સીએમ વિજય રૂપાણીને કાગળ લખીને કહ્યું છે કે પરપ્રાંતીય મજૂરો પરના હુમલા અને તેમના પલાયનને કારણે ઉત્પાદન અને વેપાર પર અસર પડી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શું છે સ્થિતિ? કોણે આપી ચીમકી?
હકીકતમાં ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયો અને સ્થાનિક લોકો વચ્ચે 28 સપ્ટેમ્બરની એક ઘટનાને કારણે તણાવ ઉભો થયો છે. સાબરકાંઠામાં 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી પર બળાત્કારનો મામલો સામને આવ્યો અને આ મામલામાં બિહારના એક મજૂરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પછી ઉત્તર ભારતીયો વિરૂદ્ધ ઝેર ઓકતા મેસેજ વાઇરલ થયા અને તેમના પર હુમલાઓ થવા લાગ્યા. ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદમાં હુમલાની ઘટનાઓ બની જેના પછી ઉત્તર ભારતીય મજૂરો ગુજરાતમાંથી પલાયન થવા લાગ્યા.
ઉત્તર ભારતીયો સાથે મારામારીની ઘટના પછી ગુજરાત પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. અમદાવાદમાં ફ્લેગમાર્ચ થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં પોલીસે ફેક્ટરીના માલિકો તેમજ મજૂર સંગઠનો સાથે બેઠક કરી છે અને અનેક ફેક્ટરીઓને પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પરના હુમલા પછી રાજકીય ગરમી પણ વધી ગઈ છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે આ મામલે સીધું પીએમ મોદી પર નિશાન સાધીને કહ્યું છે કે જો પીએમ મોદીના ગૃહ રાજ્યમાંથી ઉત્તર ભારતીયોને ભગાવવામાં આવશે તો પીએમ પણ યાદ રાખે કે તેમણે પણ બનારસ જવાનું છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે પણ લોકોને શાંતિની અપીલ કરી છે.