ગાંધીનગર :ગુજરાતમાં વસતા ચારણ ગઢવી સમાજે ગુજરાત રાજ્ય ગોપાલક બોર્ડમા સમાવેશની માંગણી કરી છે. આ માટે ચારણ સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરીને આ અંગે રજૂઆત કરી હતી. આ માટે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. આ મુલાકાતમા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામની રજૂઆત સાંભળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારણ ગઢવી સમાજે ગાપોલક બોર્ડમાં સમાવેશ કરવાની માંગ સાથેના પત્રમાં લખ્યુ કે, ચારણ સમાજ જન્મજાતથી માલધારી છે. પશુપાલન અમારો મુખ્ય વ્યવસાય છે. અમારો 90 ટકા સમાજ પશુપાલન પર નિર્ભર છે. અમારો સમાજ આર્થિક દ્રષ્ટિએ પછાત પણ છે. ગુજરાતમાં ભરવાડ તેમજ રબારી સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કરાયો છે. આ બંને સમાજ સાથે અમારો સમાજ પણ જન્મજાત પશુપાલક તરીકે ઓળખાણ પામેલો છે. કોઈ કારણોસર અમારો સમાજ સામાજિક રીતે જાગૃત ન હતો, જેથી અમે ગોપાલક બોર્ડમાં સમાવેશથી વંચિત રહી ગયા છે. જેને કારણે બોર્ડના લાભ અમારા સમાજના નાગરિકોને મળતા નથી. તેથી અમારા સમાજનો સમાવેશ ગોપાલક બોર્ડમાં થાય તેવી અમારી માંગણી છે. જેથી અમારો સમાજ આર્થિક રીત પગભર થાય અને બોર્ડમાં મળતા શિક્ષણ તથા પશુપાલક તરીકેના લાભ મળી રહે.


આ પણ વાંચો : ખેડાની કેમિકલ ફેક્ટરીમાં સેફ્ટી વગર ઉતર્યા મજૂરો, 6 ફસાયા, એકનુ ગૂંગળામણથી મોત 


ચારણ સમાજે રજૂઆતમાં કહ્યુ કે, અમારા સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ થાય તો જિલ્લામાં ચારણ સમાજ વર્તનમાન સમયમાં અન્ય સમાજની જેમ જીવન શૈલીમાં જોડાઈ શકે છે. તેથી અમારી અપીલ છે કે અમને ગોપાલક બોર્ડમાં સમાવવામાં આવે. 


ઉલ્લેખનીય છે કે, આ માટે ચારણ સમાજના અગ્રણીઓ દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં જનજાગૃતિ અભિયાન ચલાવાયુ હતુ. દરેક જિલ્લાના સાંસદ, ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખોને પણ આ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.