ઝી બ્યૂરો, ગાંધીનગર: નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આયોજિત ઇન્ડીયા સ્કિલ્સ-2021ની વેર્સ્ટન રિજીયનની સ્પર્ધાના વિજેતા યુવાઓને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે હરેકને કામ – હર કામનું સન્માન’ દ્વારા કૌશલ્ય વિકાસ-સ્કિલ  ડેવલપમેન્ટ  થી આત્મનિર્ભર ભારતનો પ્રધાનમંત્રીનો સંકલ્પ પાર પાડવા ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યના યુવાઓને આહવાન કર્યું.  ઇન્ડીયા સ્કિલ્સ-2021ની પ્રાદેશિક સ્પર્ધામાં પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત-ગોવા-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-રાજસ્થાન રાજ્યોના 230 થી વધુ યુવા સ્પર્ધકોએ 38 કૌશલ્યોમાં સ્પર્ધા કરી. 82 વિજેતાઓ ડિસેમ્બર-ર૦ર૧માં ઇન્ડીયા સ્કિલ નેશનલમાં પ્રતિનિધિત્વ કરશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુંકે, ઇન્ડીયા સ્કિલ્સ-2021 માત્ર સ્પર્ધા નહિં પરંતુ આપણી યુવાશક્તિને ગ્લોબલ યુથ બનવાની તક આપતું પ્લેટફોર્મ છે. હરેક વ્યક્તિમાં નાનપણથી જ કોઇને કોઇ સ્કિલ પડેલી હોય જ છે તેને યોગ્ય નિખાર આપવાની શરૂઆત હવે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડીયાથી થઇ છે આપણે જ્યાં હોઇએ ત્યાં દેશ હિતનું એકાદ કામ પણ કરીએ પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે, આ રીતે પણ આપણે દેશની સેવા કરી શકીએ છે. તેમણે ઉમેર્યુ કે, ‘ડિગ્નીટી ઓફ વર્ક’થી હર હાથને કામ હર કામનું સન્માન એ આધાર ઉપર જ પ્રધાનમંત્રીશ્રી નયા ભારત-આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધામાં વિજેતા થયેલાં સ્પર્ધકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
 
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જણાવ્યું કે, આ ટેક્નોલોજીકલ ક્રાંતિનો સમય છે. વિકસતી ટેક્નોલોજીના યુગમાં ભવિષ્યના નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરવા માટે આપણે તેમની વિચારસરણી અને વ્યવહારિક ક્ષમતાઓને ઘડવી જ જોઇએ. આવા કાર્યક્રમ માત્ર રોજગારની ઈચ્છા જ નહીં પરંતુ યુવાનોની માનસિકતાને વિસ્તૃત કરવાનો પણ પ્રયાસ કરે છે. વાસ્તવિક પ્રગતિ માટે રાષ્ટ્રને સારા સાહસિકો અને વૈજ્ઞાનિકોની પણ જરૂર હોય છે જે સ્કિલ ઇન્ડિયા મિશન થકી પૂરી થશે.

માર્ગ - મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યુંકે, કૌશલ્ય એક એવો વિષય છે કે જે બાળકના જન્મની સાથે જ કુદરતી રીતે તેનામાં હોય છે પણ જરૂર માત્ર તેને વિકસાવવાની હોય છે અને આ કામ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ આજે વધુને વધુ યુવાઓ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરવા આવા કાર્યક્રમોમાં સહભાગી થઇ રહ્યા છે. આપણું કૌશલ્ય આપણને અન્યો કરતા અલગ તારવે છે. જે આપણને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરે છે. જેમ જેમ કૌશલ્ય કેળવાશે તેમ તેમ રોજગારી વધશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. 


શ્રમ - રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મૅરાજાએ કહ્યું કે, આજનો યુવા પોતાના કૌશલ્યને ઓળખે, વિકસાવે અને રોજગારનું સર્જન કરે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવિન સર્જનાત્મક વિચારો કરવા અને સાહસિક નિર્ણયો લેવા પ્રેરિત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કૈશલ્ય યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવવાનું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નોને પરિણામે આજે કૌશલ્ય પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. આવનારા દિવસોમાં  ભારત વિશ્વની કૌશલ્ય રાજધાની બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


વર્લ્ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં ઓટોબોડી રિપેર, બેકરી, ફ્લોરિસ્ટ્રી ( ફૂલોની કળા ), ઇંટોની ગોઠવણી, બ્યુટી થેરાપી, ફેશન ટેક્નોલોજી, મોબાઈલ રોબોટિક્સ, વેલ્ડિંગ, ચિત્રકળા અને સુશોભન, જ્વેલરી ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.