રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં ગત મોટી રાત્રે ગણેશજીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. શ્રીજીની સવારી દરમિયાન પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આ ઉપરાંત દુકાનોમાં અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.પોલીસ અધિકારીઓએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ માથાકૂટ દરમિયાન લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જોકે પથ્થરમારામાં કોઇને ઇજા પહોંચી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે આ અથડામણના મુદ્દે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું હતું કે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં બે જૂથના લોકો વચ્ચે અથડામણ અને ગેરકાયદેસર રીતે એકઠા થવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને સમુદાયના લોકો પર રમખાણ, ગેરકાયદેસર રીતે એકઠા થવાનો આરોપ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આઇપીસી કલમ 143 (ગેરકાયદેસર રીતે એકઠા થવું), 147 (રમખાણો), 336 (માનવ જીવન અથવા વ્યકતિગત સુરક્ષાને ખતરામાં મુકવી), 295 (પૂજા સ્થળને અપવિત્ર કરવું) સહિતની કલમો લગાવવામાં આવી છે. 


પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ વડોદરાના માંડવી વિસ્તારના પાણીગેટ દરવાજા પાસે લગભગ 11:15 વાગે શોભાયાત્રા પસાર થઇ હતી, ત્યારે અચાનક કોઇ મુદ્દે બે સમુદાયના લોકોમાં બોલાચાલી થઇ હતી અને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન એક મસ્જિદના મુખ્ય દ્રાર પર લગાવેલો કાચ તૂટી ગયો હતો.  


તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીસીટીવીના આધારે પોલીસે તોફાની તત્વોને શોધવાની કવાયત હાથ ધરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube