અબ તેરા ક્યાં હોગા ‘કોંગ્રેસ’, હવે વિપક્ષ પણ ન રહ્યાં, પ્રભારી રઘુ શર્માનું રાજીનામુ, જગદીશ ઠાકોરે હાર સ્વીકારી
Gujarat Election 2022 Result : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવ્યો છે. હાલના લેટેસ્ટ અપડેટ મુજબ, કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ છે
Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસની હાલત કફોડી બની છે. કોંગ્રેસે સપનામાં ય વિચાર્યુ ન હતું કે, 2022 ની વિધાનસભાની ચૂંટણીમા આ રીતે જાકારો મળશે. ભાજપના રેકોર્ડ બ્રેક વિજયથી કોંગ્રસના ખેમામાં શાંતિ છવાઈ ગઈ છે. ત્યારે અનેક નેતાઓ ગાયબ થઈ ગયા છે. આ વચ્ચે હવે રાજીનામા પડી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસની હાર સ્વીકારી. તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાને જ હારનો સામનો કરવો પડ્યો છે. તો સૌથી મોટી વાત તો એ છે કે, કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માએ રાજીનામું આપી દીધું છે. તો ગુજરાત કોંગ્રેસની ચૂંટણીની જવાબદાર જેઓએ મોટા ઉપાડે લીધી હતી, તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આખા પિક્ચરમાંથી ગાયબ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવ્યો છે. હાલના લેટેસ્ટ અપડેટ મુજબ, કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. જો કોંગ્રેસને 19 થી વધુ બેઠકો નહિ મળે તો વિપક્ષનું પદ પણ ગુમાવી શકે છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો મુજબ વિપક્ષ બનવા માટે કુલ બેઠકોના દસ ટકા બેઠકો કોંગ્રેસ પાસે હોવી જરૂરી છે. કોંગ્રેસ 19 જેટલી બેઠકો જીતે તો તેને વિપક્ષનું બિરુદ મળી શકે છે. પરંતુ એ ત્યારે જ્યારે કોંગ્રેસ નિયમ મુજબ સીટ મેળવે.
જગદીશ ઠાકોરે હાર સ્વીકાર
ચૂંટણીમાં હાર બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે, અમારી અપેક્ષા અને ગણતરી પર અમે ખરા ઉતર્યા નથી. ભાજપની સરકાર બની રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાવિ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેમને અભિનંદન આપું છું. ગુજરાતની સરકાર બનવા જઈ રહી છે. હાલ થોડા સમયમાં હારના કારણો ન શોધી શકીએ. લોકોએ ભાજપને જીત આપી છે, અને સરકાર બનાવવા મેન્ડેટ આપ્યુ છે, તેથી તેમને અભિનંદન જ આપી શકીશું. રાજકીય પક્ષ તરીકે અમારી જવાબાદરી છે કે, શાસક પક્ષ ભૂલ કરશે, નિષ્ફળ જશે, પ્રજા સ્વીકારે કે ન કરે, તેમના મુદ્દા ઉપડતા રહીશું.
સુખરામ રાઠવાની હાર
વિપક્ષ નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુરની જેતપુર બેઠક ઉપર હારી ગયા છે. જેતપુર બેઠક ઉપર ભાજપના જયંતી રાઠવાની જીત થઈ છે. ત્યારે હવે સુખરામ રાઠવાનુ પણ કોંગ્રેસમાં પિક્ચર પૂરુ થઈ ગયું છે.
રઘુ શર્માનું રાજીનામુ
રાજીવ સાતવના અવસાન બાદ ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવાયા હતાં. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ખૂબજ નજીક ગણાય છે. ત્યારે હવે કોંગ્રેસની હાર થતા રઘુ શર્માએ પણ ગુજરાતના પ્રભારી પદેથી રાજીનામુ આપ્યું છે.