ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીનું તેડું, પાર્ટીની રણનીતિ પર મંથન કરવા 22 જૂને દિલ્હી બોલાવ્યા
ગુજરાત કોંગ્રેસની કમાન હવે શક્તિસિંહ ગોહિલે સંભાળી લીધી છે. શક્તિસિંહે ચાર્જ સંભાળવાની સાથે પાર્ટીને મજબૂત કરવાના વિવિધ પાસાં પર ચર્ચા કરી હતી. હવે સમાચાર મળી રહ્યાં છે કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસની સ્થિતિ ખરાબ રહી છે. બે દાયકા કરતા વધુ સમયથી પાર્ટી સત્તામાં આવી શકી નથી. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 સીટો જીતી હતી. હવે ગુજરાત કોંગ્રેસને જગદીશ ઠાકોરના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે રાહુલ ગાંધીએ રાજ્યના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.
રાહુલ ગાંધીએ દિલ્હી બોલાવ્યા
ગુજરાત કોંગ્રેસના નવા કેપ્ટન તરીકે શક્તિસિંહ ગોહિલે આજે વિવિધત રીતે ચાર્જ સંભાળી લીધો છે. રાજ્યમાં ઘણા કોંગ્રેસ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી અંગે મંથન કરવા માટે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને 22 જૂને દિલ્હી બોલાવ્યા છે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસના પ્રદર્શનની સમીક્ષા કરાશે તો આગામી લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવશે.
આ પણ વાંચોઃ 223.6 કરોડમાં ઉધના રેલવે સ્ટેશનને મળશે વર્લ્ડ ક્લાસ લુક, જાણો ક્યારે પૂર્ણ થશે કામ
મારી સામે પક્ષને વધુ મજબૂત કરવાનો પડકાર છે
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજથી ચાર્જ સંભાળી લીધો છે. રવિવારે શક્તિસિંહે એક રેલીનું આયોજન કર્યું હતું. તેમણે ગાંધી આશ્રમ ખાતે બાપુને નમન કર્યા હતા. ત્યારબાદ આ રેલી કોંગ્રેસ ભવન પહોંચી હતી. કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહે કહ્યુ કે, આશીર્વાદને માથે રાખી ગુજરાતની જનતાના ભરોસે આગળ વધીશ. મુઠ્ઠીભર લોકો માલામાલ ન થાય અને સર્વગ્રાહી સૌનો વિકાસ એ જરૂરી છે.
આ પણ વાંચોઃ થોડા વહેલા આવ્યા હોત તો ગુજરાત સરકારમાં હોત, પાટીલે આ કોને અફસોસ કરાવી દીધો
કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને ખુલ્લા મને આવકારું છું
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં શક્તસિંહ ગોહિલે કહ્યું હતું કે, જ્યાં સૂચનો કરવાની જરૂર હોય ત્યાં સૂચન કરજો. ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો. તમામ નેતાઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી હોવા છતાં તેમ છતાં સૌએ પોતાની અનુકૂળતા કરી મને પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મક એજન્ડા લઈને જઈશું. જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube