મહિનાઓની મથામણ બાદ ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની, જગદીશ ઠાકોર નવા પ્રદેશ પ્રમુખ જાહેર
મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ને તેના સુકાની મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમઉખ તરીકે જગદીશ ઠાકોર (jagdish thakor) ની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. આ પદ માટે અનેક દાવેદાર હતા. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ભારે મનોમંથન ચાલ્યુ હતું, જેના બાદ આખરે આજે જાહેરાત કરવામા આવી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસ (gujarat congress) ને તેના સુકાની મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમઉખ તરીકે જગદીશ ઠાકોર (jagdish thakor) ની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. આ પદ માટે અનેક દાવેદાર હતા. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ભારે મનોમંથન ચાલ્યુ હતું, જેના બાદ આખરે આજે જાહેરાત કરવામા આવી છે.
મેરેથોન મીટિંગના અંતે જગદીશ ઠાકોરનું નામ ફાઈનલ
આંતરિક રસાકસી બાદ જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકમાનની પહેલી પસંદગી હાર્દિક પટેલ હતી. પણ ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જેના બાદ અનેક નામો પર ચર્ચા થઈ હતી. તો સાથે જ અનેક નામો માટે લોબિંગ પણ કરાયુ હતું. છેલ્લા અનેક નેતાઓએ પ્રમુખ પદ માટે દિલ્હીના અનેકવાર આંટાફેરા પણ માર્યા હતા. પરંતુ હાઈકમાન જલ્દીથી કોઈ નામ પર નિર્ણય લઈ શક્યુ ન હતું. આખરે મહિનાઓની મેરેથોન મીટિંગનો અંત આવ્યો હતો અને જગદીશ ઠાકોરના નામ પર પૂર્ણવિરામ મૂકાયુ હતું.
રાજકીય સંન્યાસ બાદ જગદીશ ઠાકોરની રિએન્ટ્રી
નામ નક્કી થાય એ પહેલા જ જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા. જેના બાદ તેમના નામ પર મહોર લાગી હોવાનું કહેવાય છે. જગદીશ ઠાકોરના રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો, વર્ષ 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે જાહેરાત કરી હતી કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. પરંતુ જગદીશ ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું. પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.
આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક
ત્યારે આ જાહેરાત વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાશે. વિધાનસભા પરિસરમાં સાંજે ચાર વાગ્યે બેઠક યોજાશે. આ બેઠકમાં નેતા વિપક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કરાશે. પ્રભારી રઘુ શર્મા અને સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. હાઈમાન્ડની સૂચના મુજબ સુખરામ રાઠવાનું નામ રજૂ કરાશે. જેમાં તમામ સભ્યો નામને અનુમોદન આપી નેતા વિપક્ષની પસંદગી કરશે. બેઠક બાદ પરેશ ધાનાણીના નિવાસસ્થાને તમામ નેતાઓ ભોજન લેશે. નવા પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ડિનર ડિપ્લોમસીમાં ઉપસ્થિત રહેશે.