ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીઓની સીઝન આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જૂના સાથીઓ અને જોગીઓ પાર્ટીઓને યાદ આવતા હોય છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ એક જાહેર મંચ પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણીતા ચહેરાઓને શરણે જઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની જૂના જોગીઓને પાછા લાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જાણીતા ચહેરાઓને કોંગ્રેસ તરફી કરવા માટે અત્યારથી પ્રયત્નો શરૂ કર્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારનો ગઈકાલ (બુધવાર)નો જગદીશ ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક નેતાઓ હાજર હતા, ત્યારે તેમણે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શંકરસિંહ વાઘેલાના વખાણ કરતા તમામ લોકોને વિચારતા કરી મૂક્યા હતા. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો બાપુ પ્રત્યેનો પ્રેમ ઉભરાતા કોઈને કંઈ સમજાયું નહોતું. તેમણે જણાવ્યું કે, સંઘર્ષ એટલે બાપુ અને બાપુ એટલે સંઘર્ષ...જાહેર જીવનનો બાપુને ખુબ બહોળો અનુભવ છે. હું બિમાર પડ્યો ત્યારે પણ બાપુને જોઈને તૈયાર થયો છું. આ નિવેદન બાદ કાર્યકરો અને અનેક નેતાઓમાં મોટી ચર્ચા ચાલી રહી હતી.


અમદાવાદના આ વિસ્તારમાં આજે જતા હોય તો રહેજો સાવધાન, હાલ તો શાંતિપૂર્ણ માહોલ પણ...


નોંધનીય છે કે, કોંગ્રેસના નેતાઓ પાસના નેતા અલ્પેશ કથીરિયાને પણ કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે. જો કે અલ્પેશ કથીરિયા જણાવી ચૂક્યા છે કે તેમણે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે હજુ સુધી નિર્ણય નથી અને સમય આવ્યે તેઓ આ અંગે નિર્ણય લેશે. આ પહેલા પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે પણ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે હવે જગદીશ ઠાકોરનો આ વીડિયો વાયરલ થતાં જ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને જાણીતના નેતાઓ અને ચહેરાઓની જરૂર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના રોજ જગદીશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે બંધારણની માલિક પણ પ્રજા હોવી જોઈએ સાથે જ સરકારની માલિક પણ પ્રજાજ હોવી જોઈએ પરંતુ તેવું નથી. આટલું કહ્યા બાદ તેમણે કોંગ્રેસ કાર્યાલયથી સંદેશો આપ્યો કે આપણે આઝાદ થઈએ તેવા પ્રયાસો આપણે કરવાના છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube