કોરોના બેકાબૂ બનતા સરકારી હોસ્પિટલોના બંધ કરાયેલા વોર્ડ ફરી ખોલાયા
- અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રાત્રે ખાણીપીણી બજાર અને રેસ્ટોરેન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે
- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો યુનિટ બંધ કરાવવાની મૌખિક સૂચના આપી દેવાઈ
- અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોથી તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલમાં બંધ કરી દેવાયેલા વોર્ડ ફરી ખોલવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ 300 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
5 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નહિ
ગઈકાલે રાજ્યભરમાં 555 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. રાજ્યના 5 જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એકપણ કોરોનાનો કેસ કાલે નોંધાયો ન હતો. પરંતુ ત્રણ જિલ્લાઓમાં 100 થી વધુ કોરોનાના કેસો નોંધાય હતા, જેમાં અમદાવાદમાં 129, વડોદરામાં 103 અને સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. એક તરફ કોરોનાને માત આપવા સિનિયર સીટીઝન તેમજ કો-મોરબીડીટી હોય તેવા 45 વર્ષથી વધુને નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 15 લાખથી વધુ લોકોને વેક્સીનના પ્રથમ અપાઈ ચૂકી છે.
આ પણ વાંચો : અમદાવાદના પટેલ દંપતીની ઘાતકી હત્યા કરનારા 5 આરોપી આખરે પકડાયા
અમદાવાદમાં ખાણીપીણીના બજારો બંધ કરવાની વાત અફવા
તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રાત્રે ખાણીપીણી બજાર અને રેસ્ટોરેન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો યુનિટ બંધ કરાવવાની મૌખિક સૂચના આપી દેવાઈ છે. જોકે, અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. સાંજે 7.30 વાગે બજારો બંધ કરી દેવું એવો કોઈ આદેશ amc એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાંજ યુનિટ બંધ કરાવી દેવાય છે. કોરોના સંક્રમણ વધ્યું, પણ બજાર બંધ કરવાની કોઈ વાત નથી. આ વિશે એએમસીના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્ફ્યૂનો સમય વધારવાનો કોઈ આદેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે 8 વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે.
અમદાવાદમાં ખાલી બેડની સ્થિતિ
અમદાવાદમાં હાલ 62 ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે કાર્યરત, જેમાં 2306 બેડ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનના બેડ પર 124 દર્દીઓ સારવાર હેઠળ છે. HDU ના બેડ પર 121 દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી કોવિડ હોસ્પિટલના ICU વિથઆઉટ વેન્ટીલેટરના 28 બેડ ફૂલ છે. ICU વિથ વેન્ટીલેટરના 25 બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ભરાયા છે. ચૂંટણી પહેલા કોરોનાના કેસો ઘટતાં ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યામાં ઘટાડો કરાયો હતો. એક સમયે 100 થી વધુ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ઘટીને 62 થઈ છે, ત્યારે હવે ફરી કેસો વધતા બેડ ભરાવાની શરૂઆત થઈ છે. ચૂંટણી બાદ કોરોનાના વધતા કેસોને કારણે અમદાવાદમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વધુ 9 સોસાયટીઓ AMC દ્વારા માઈક્રો કન્ટેઈન્ટમેન્ટમાં મૂકાઈ છે. તો અમદાવાદમાં હાલ 50 સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાઈ છે.
કોરોનાએ સરકારની ચિંતા વધારી
જો કે ફરી એકવાર કોરોનાના કેસો વધતા તંત્રની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં રાજ્યની પરિસ્થિતિ જોઈએ તો 2,73,941 કોરોનાના કેસો ગુજરાતમાં નોંધાયા છે, જેમાંથી 2,66,413 લોકોએ કોરોનાને માત આપી છે અને 4416 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 97.22 ટકા જેટલો થયો છે.
વડોદરામાં કોરોનાથી 7 ના મોત
વડોદરામાં ફરી વખત કોરોના ઘાતક બન્યો છે. વડોદરામાં ગત 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીઓના મોત થયા છે. નવાપુરા વિસ્તારના 38 વર્ષના યુવાન સહિત 7 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં 4 દર્દીઓ સરકારી હોસ્પિટલ અને 3 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. જોકે, વડોદરા પાલિકાના ચોપડે સત્તાવાર રીતે મોત બતાવ્યા નથી.
સુરતમાં મહિલાઓમાં કોરોનાનું પ્રમાણ વધું
સુરતમાં 533 માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. સિટીમાં 10,422 ઘરોમાં રહેતા 40,032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. સુરતમાં હાલ સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાયેલા છે. આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર કન્ટેઇનમેન્ટમાં મૂકાઈ છે. તો બીજી તરફ, સુરતમાં મહિલાઓમાં કોરોના સંક્રમણ વધ્યું. 30 ટકાથી વધી 40 ટકા સંક્રમણ વધ્યું છે. પહેલી વખત દર 100 માંથી 40 મહિલાને કોરોના થયો હોવાનું નોંધાયું છે.