કોરોનામાં બાળકોના માથે લટકતી તલવાર, રાજકોટમાં 500 બાળકો સંક્રમિત થયા
- છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે
- છેલ્લાં 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં વધુ 4 બાળકો સારવાર માટે દાખલ થયા
ગૌરવ દવે/રાજકોટ :કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે. બાળકોમાં એટલા ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે કે હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે. આવામાં રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું છે. રાજકોટમાં 500 જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં 60 ટકા બાળકો 5 વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં વધુ 4 બાળકો સારવાર માટે દાખલ થયા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, 2 થી 7 દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.
આ પણ વાંચો : માનવતા જીતી, કોરોના હાર્યો... અચાનક ઢળી પહેલા ગ્રાહક માટે દેવદૂત બનીને આવ્યા દવાની દુકાનના માલિક
બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ લઈ જજો
તબીબના જણાવ્યા અનુસાર, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે. બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. આવામાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.
આ પણ વાંચો : CM રૂપાણીના પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત
જામનગર, ભાવનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 770 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સામે 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 35 દર્દીઓના મોત નોંધાયા છે. રાજકોટ બાદ જામનગર, ભાવનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. એકલા રાજકોટ શહેર અને જિલ્લામાં 385 પોઝિટિવ કેસ છે. જામનગર શહેરમાં અને ગ્રામ્યમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં 32 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમા વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું
તો બીજી તરફ, રાજકોટમા વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. યુઝડ કાર એસોસિએશનના હોદ્દેદારોએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ આવેલું છે. 100 થી વધુ વેપારીઓ રાજકોટમાં જુની કારના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.