સ્મશાન ગૃહના આ દ્રશ્યો કોઈને પણ કંપારી છુટાવી દે તેવા છે, સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ડેન્જર ઝોનમાં પ્રવેશી
- હોસ્પિટલોની સાથે સાથે હવે સુરતના સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહોની લાંબી લાઈન પડી રહી છે
- અહીં મૃતદેહોનો ખડકલો પથરાયેલો છે, તો સાથે જ પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યાં
તેજશ મોદી/સુરત :સુરત શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.
સુરતના સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઈનો પડી રહી છે. આવો ભયાનક મંજર ગુજરાતમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં લાંબી લાઈન લાગી છે. અશ્વની કુમાર સ્મશાન બાદ હવે ઉમરા સ્મશાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરોના પોઝિટિવ અને સામાન્ય મૃતકોની લાંબી લાઈન લાગેલી છે. અહીં મૃતદેહોનો ખડકલો પથરાયેલો છે, તો સાથે જ પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યાં છે.
આ પણ વાંચો : ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ... અમદાવાદની હોસ્પિટલના સંચાલકે વીડિયોથી મદદ માંગી
હોસ્પિટલોની સાથે સાથે હવે સુરતના સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહોની લાંબી લાઈન પડી રહી છે. આ દ્રશ્યો કોઈને પણ કંપારી છુટાવી દે તેવા છે. જે બતાવે છે કે સુરતમાં પરિસ્થિતિ ડેન્જર ઝોનમાં પ્રવેશી ચૂકી છે. સરકારના આંકડા કરતા દૂર દૂર સુધીની આ હકીકત છે. તાજેતરમાં જ સુરતમાં સ્મશાન ગૃહોમાં મૃતદેહોનો વીડિયો વાયરલ થયો હતો. સ્મશાન ગૃહોમાં કોરોના માટે અલગ અને સામાન્ય મૃતદેહો માટે અલગ વ્યવસ્થા છે. જેથી લાંબી લાઈનો લાગી છે. મૃતદેહોની સાથે તેમના સ્વજનો પણ આવી ચઢે છે, જેથી અહીં હવે ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના આ દ્રશ્યો 2021 નું સૌથી બિહામણુ દ્રશ્ય બતાવે છે. કહી શકાય કે, સુરતની સિરત બદલાઈ રહી છે. મોત બાદ પણ વેઈટિંગ આવી રહ્યું છે.
આ પણ વાંચો : આ ડરામણું છે પણ સત્ય છે... 3 કોરોના દર્દીઓેએ રાજકોટની સિવિલ હોસ્પિટલના લોબીમાં જ દમ તોડ્યો
કોરોનાની ત્રીજી લહેરમાં સુરતની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે પણ લોકો સવારથી લાંબી લાઈન લગાવીને ઉભા હોય છે. નવી સિવિલ ખાતે લોકો ઈન્જેક્શન મેળવવા માટે લાંબી લાઈન લગાવીને ઉભા હોય છે. સરકાર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તેમ છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.