સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે
- રાજુલા અને જાફરાબાદને જોડતા રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થતા બંને શહેરોનો જોડતો માર્ગ બંધ થયો છે. મોડી રાતથી અહી કોઈ અવરજવર થઈ નથી રહી
- જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો છે. તો દીવના બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઉના દીવમાં 300 થી વધુ વૃક્ષો ધારાશાહી થયા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ દસ્તક આપી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે વાવાઝોડું (gujrat cyclone) અમરેલી સુધી પહોંચ્યુ હતુ. થોડીવારમાં વાવાઝોડું સુરેન્દ્રનગર પહોંચશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ, વેરાળ, ઉના, કોડીનારમા 130 કિમના પવન સાથે
ભારે નુકસાની સર્જાઈ છે. જોકે, હાલ પવનની સ્પીડમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ હાલ વાવાઝોડુ (Cyclone Tauktae) પ્રતિ કલાક 13 કિલોમીટરની સ્પીડે આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ થઈ છે. તો વીજ પુરવઠો ખોરવાયો છે.
આ પણ વાંચો : તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું
રાજુલા-જાફરાબાદ રોડ વૃક્ષો તૂટી પડતા બંધ
ગઈકાલે રાત્રે 9 વાગ્યે વાવાઝોડનું લેન્ડફોલ થયું હતુ. તેના બાદ જાફરાબાદ પીપાવાવમાં 185 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો. પરંતુ હાલ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ જાફરાબાદ અને રાજુલાની છે. અહી ઠેરઠેર વૃક્ષો તૂટી પડ્યા છે. વીજળી પુરવઠો ખોરવાયો છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તો રાજુલા અને જાફરાબાદને જોડતા રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થતા બંને શહેરોનો જોડતો માર્ગ બંધ થયો છે. મોડી રાતથી અહી કોઈ અવરજવર થઈ નથી રહી.
આ પણ વાંચો : રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે
ઠેરઠેર વીજપોલ તૂટ્યા, જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટ્યો
સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વીજપોલ તૂટી પડવાની ઘટના બની છે. તો ક્યાંક સોલાર પેનલ પણ તૂટી પડી છે. જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો છે. તો દીવના બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલ એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. હજી આજે પણ ભાવનગર, ગીર, જુનાગઢ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉના દીવમાં 300 થી વધુ વૃક્ષો ધારાશાહી થયા છે.
ભાવનગરમાં 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ
ભાવનગરમાં તૌકતે વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ મંગળવારની સવારે પણ યથાવત છે. ભાવનગર શહેર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જિલ્લામાં અત્યાર સુધી 28000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. સૌથી વધુ પાલીતાણામાં 158 mm વરસાદ અને સૌથી ઓછો ઘોઘામાં 10 mm વરસાદ નોંધાયો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે. શહેર અને જિલ્લામાં પવનની ઝડપ 100 થી 110 પ્રતિ કલાક છે. વાવાઝોડાના કારણે 250 થી વધુ વૃક્ષો ધરાશાહી થયા છે. સાવચેતીના ભાગરૂપે ઘોઘા બંદરે 9 નંબર, અલંગમાં 11, મહુવામાં 9 નંબરનું સિગ્નલ યથાવત છે.