Gujarat Election 2022: કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારી, અશોક ગેહલોતને ગુજરાતમાં ફરી મહત્વની જવાબદારી મળી
Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને ફરી મહત્વી જવાબદારી સોંપી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. આ વર્ષે ચૂંટણી પહેલા પાર્ટી તમામ રણનીતિ તૈયાર કરી રહી છે. તેના ભાગ રૂપે સોનિયા ગાંધીએ ગુજરાતમાં સીનિયર ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે.
અશોક ગેહલોતને ફરી ગુજરાતમાં મળી જવાબદારી
રાજસ્થાનના મુખ્યમંત્રી અને પૂર્વમાં ગુજરાતના પ્રભારી રહી ચુકેલા અશોક ગેહલોતને સોનિયા ગાંધીએ ફરી મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અશોક ગેહલોતને સીનિયર ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. તો ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.
આ પહેલાં સાત કાર્યકારી પ્રમુખોની કરી હતી નિમણૂંક
નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં સાત કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી હતી. સોનિયા ગાંધીએ ગુજરાતમાં પાંચ ધારાસભ્યો અને બે નેતાઓ સહિત સાત લોકોને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જેમાં લલિત કગથરા, જિગ્નેશ મેવાણી, ઋુત્વિક મકવાણા, અંબરિશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પિરઝાદા અને ઈંદ્રવિજય સિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ CM એ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, ગંદા પાણીમાં ચાલીને લોકો સાથે વાત કરી
હિમાચલના સીનિયર ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની પણ જાહેરાત
ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલને પાર્ટીએ હિમાચલમાં સીનિયર ઓબ્ઝર્વર બનાવ્યા છે. તો સચિન પાયલટ અને પ્રતાપ સિંહ બાજવાને ઓબ્ઝર્વર બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube