Gujarat Election 2022: વિસનગર ભાજપને રાહત, અપક્ષ લડવાની જાહેરાત કરનાર જશુભાઈને નીતિન પટેલે મનાવી લીધા
Gujarat Assembly Election 2022: વિસનગરમાં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ લડવાની જાહેરાત કરી ચુકેલા જશુભાઈ પટેલ માની ગયા છે. આજે નીતિન પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં તમામ મનદુખ દુર થઈ ગયા છે.
મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીઓએ ટિકિટની જાહેરાત કર્યાં બાદ ઘણી જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની યાદી સામે આવ્યા બાદ ઘણા ભાજપના નેતાઓ નારાજ થયા હતા. મહેસાણા જિલ્લાની વિસનગર સીટ પરથી પણ નારાજગી જોવા મળી હતી. અહીં મંત્રી ઋષિકેશ પટેલને ટિકિટ મળી હતી. ત્યારબાદ ભાજપના નેતા જશુભાઈ પટેલ નારાજ થઈ ગયા હતા. પરંતુ હવે તેનું સમાધાન થઈ ગયું છે.
નીતિન પટેલે મનાવી લીધા
ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઘણી જગ્યાએ વિરોધનો અવાજ ઉઠ્યો હતો. કેટલાક નેતાઓએ તો અપક્ષ લડવાની જાહેરાત પણ કરી હતી. ત્યારે ભાજપે વિસનગરમાં ઋષિકેશ પટેલને ટિકિટ આપતા ભાજપના જૂના નેતા જશુભાઈ પટેલ નારાજ થયા હતા. તેમણે અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે પાર્ટીએ તેમને મનાવી લીધા છે.
જશુભાઈ પટેલની નારાજગી દૂર કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મેદાનમાં આવ્યા હતા. આજે ઋષિકેશ પટેલ, એસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, નીતિન પટેલ અને જશુભાઈ પટેલ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં જશુભાઈ પટેલના મગજમાં રહેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ જશુભાઈ પટેલે પણ અપક્ષ ન લડવાની ખાતરી આપી છે. તો તે આગામી સમયમાં ઋષિકેશ પટેલના ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થશે. એટલે કે હવે વિસનગરની બેઠક પર ભાજપની ચિંતા દૂર થઈ છે. નોંધનીય છે કે વિસનગરમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
આ પણ વાંચોઃ Elections 2022: ત્રણેય પાર્ટીના 182 બેઠકોના ઉમેદવારોની સંપૂર્ણ યાદી, જુઓ એક ક્લિકમાં
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube