Gujarat Election 2022 Exit Polls Result રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાનની વાત કરીએ તો, સત્તાવાર 64.39% મતદાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 70.95% મતદાન નોંધાયું છે. તો અમદાવાદમાં સૌથી ઓછું 58.32% મતદાન નોંધાયુ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં 63.81% મતદાન નોંધાયું છે. ત્યારે વડોદરા શહેરની 5 બેઠકની વાત કરીએ તો, શહેરની 5 બેઠકો પર 58.45 ટકા જેટલું મતદાન થયું છે. જે નિરસ મતદાન કહી શકાય. આ અમે નહિ, આંકડો પુરાવો આપે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના એનાલિસીસ અનુસાર, 2022 ના મતદાનને 2017 ના મતદાન સાથે સરખાવીએ તો, વર્ષ 2017 માં 69.99 ટકા મતદાન થયું હતું. ત્યારે પાંચ વર્ષમાં 9.44 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. વડોદરા જિલ્લાની 5 બેઠક પર 70.46 ટકા જેટલું જ મતદાન થયું છે. વર્ષ 2017માં 78.43 ટકા મતદાન થયું હતું હતું, જેની સામે 7.96 ટકા મતદાન ઘટયું છે. રાજકીય તજજ્ઞોનું કહેવુ છે કે, મતદાન ઘટતાં શહેરમાં ભાજપ ઉમેદવારોની લીડ ઘટી શકે, જેથી વડોદરા જિલ્લામાં પરિણામ બદલાઈ શકે છે. મતદાન ઓછું થતા સીધી અસર ભાજપની હારજીત પર થશે. શહેરની 5 બેઠક પર બૂથ મેનેજમેન્ટમાં ભાજપ નબળું પડ્યું હોવાનું સામે આવ્યું છે. તેથી સરસાઈ પાતળી થશે, પરંતું તેનો કોંગ્રેસને લાભ નહીં થાય તેવુ પણ કહેવાય છે.


ગત વિધાનસભાની ચૂંટણી કરતાં શહેર-જિલ્લાની 10 બેઠક પર મતદાનમાં 11.37 %નો ઘટાડો નોંધાયો છે. વડોદરા શહેરની 5 બેઠકો પર 56.56% મતદાન ગત ચૂંટણી કરતાં 11.52% ઓછું, સાૈથી વધુ માંજલપુર અને સાૈથી ઓછું અકોટા બેઠક પર નોંધાયું છે. 


તો બીજી તરફ, પહેલાથી જ કહેવાતુ હતું કે, વાઘોડિયા અને પાદરામાં અપક્ષ રાજકીય પક્ષોનું ગણિત બગાડી શકે. વાઘોડિયામાં દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવ અને પાદરામાં દિનુ મામાની વર્ષોથી પકડ છે. તેઓની કમિટેડ વોટબેંક છે. હવે બંને નેતા અપક્ષ જતા મતદાન પર તેની અસર દેખાી છે. 



ગઈકાલે વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. કુલ 26,02,272 મતદારોએ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ કર્યું છે. 2590 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. હાલ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં  EVM રાખવામાં આવ્યા છે. પોલિટેકનિક કુલ 3924 EVM રખાયા છે. જેથી પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની મદદ પણ લેવાઈ છે. શહેર જિલ્લાના કુલ 72 ઉમેદવારો ભાવિ 8મી તારીખે નક્કી થશે.


અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, ગાંધીનગર 65.66%, પાટણ 65.34%, મહેસાણા 66.40%, અરવલ્લી 67.55%, બનાસકાંઠામાં 71.40% મતદાન, ખેડા 67.96%, આણંદ 67.80%, વડોદરા 63.81%, મહીસાગરમાં 60.98%, દાહોદમાં 58.41% મતદાન, પંચમહાલ 67.86%, છોટાઉદેપુરમાં 64.67% મતદાન નોંધાયું છે.