• અમદાવાદમાં 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે

  • અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર 


ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ મોડી સાંજે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી (Local Body Polls) લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને  23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 771 ઉમેદવારો મેદાનમા 
અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ (BJP) ના 191 ઉમેદવારો અને કોંગ્રેસ (congress) ના 188 ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે. 


રાજકોટમાં 72 બેઠકો માટે 293 ઉમેદવારો વચ્ચે જંગ 
રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષો જીત માટે પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં પણ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ખેંચતાણ યથાવત રહી હતી. આ દિવસે વિરોધી પક્ષની પેનલને તોડવા માટે ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો તૂટવાની શરૂઆત થતા પક્ષે પોતાના નબળા ઉમેદવારોને ફાર્મહાઉસમાં નજરકેદ કરીને રાખ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે એનસીપીના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસોમાં કોંગ્રેસને સફળતા મળી હતી અને એનસીપીના ચાર ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપે પ્રચાર શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના બે ઉમેદવારોને ફોર્મ પરત કરવા રાજી કરી લીધા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના આગેવાનો સતત દોડતા રહ્યા હતા. ભાજપના આગેવાનો કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચે તે માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો એનસીપીના ચાર ઉમેદવારના ફોર્મ ખેંચવામાં સફળ રહ્યા હતા. જેમાં વોર્ડ નં.3 માં ધવલ રાવલ, વોર્ડ નં.5માં મચ્છાભાઇ જાદવ, વોર્ડ નં.18 માં નિલેશ વીરડિયા અને વોર્ડ નં.6 માંથી દેવશીભાઇ પરમારે ફોર્મ પરત ખેંચ્યું હતું. તો હવે રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે 293 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે.


ફોર્મ પરત ન ખેંચનારા PAAS સમર્થક ઉમેદવારોને અલ્પેશ કથીરિયાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ હુંકાર કર્યો છે કે, તમારી હોડી કેવી રીતે પાણીમાં તરે છે તે હવે ખબર પડશે. તમામ પાટીદારો સાથે કોંગ્રેસે ગદ્દારી કરી હોવાનું કહીને ફરી એકવાર કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે.