Gujarat Results 2022: `મારૂ એક કામ કરશો`, નરેન્દ્ર મોદીની અપીલ અને ગુજરાતમાં ભાજપે રચી દીધો ઈતિહાસ
Narendra Modi, Gujarat Election 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતનો શ્રેય પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળી હતી. હવે ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ભાજપે ઈતિહાસ રચી દીધો છે.
અમદાવાદઃ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ નવો અધ્યાય લખી દીધો છે. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડીને સત્તાના શિખરે પહોંચી છે. ભાજપે માધવસિંગ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 1985ની ચૂંટણીમાં જીતેલી 149 સીટનો રેકોર્ડ ધરાશાયી કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી 158 સીટો પર જીત મેળવી રહી છે. તો બીજીતરફ કોંગ્રેસે ગુજરાતમાં પોતાના ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો પણ મળે તેવી સ્થિતિ નથી. કોંગ્રેસ માત્ર 16 સીટ જીતી રહી છે. ભાજપની આ મહાજીતનું કારણ નરેન્દ્ર મોદીને માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ચાલ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદૂ
ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ અનેક રેલીઓ સંબોધી હતી. તો અમદાવાદ, સુરત સહિત અન્ય જગ્યાઓ પર મોટો રોડ શો પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક ચૂંટણી સભામાં કહેતા હતા કે આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાના છે. તેમણે જનતાને કહ્યું હતું કે આ ચૂંટણી ગુજરાતના આવનારા 25 વર્ષની ચૂંટણી છે.
ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIMનો સફાયો, NOTA કરતા પણ ઓછા મત મળ્યા
પીએમ મોદીની અપીલ અને ગુજરાતમાં રચાયો ઈતિહાસ
ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તામાં હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ લાગી રહ્યું હતું કે ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આપના દરેક નેતા અને અરવિંદ કેજરીવાલ સતત ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. બીજીતરફ કોંગ્રેસ જોરશોર કર્યા વગર પ્રચાર કરી રહી હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ આ ત્રિકોણીય મુકાબલામાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપને 54 ટકા જેટલા મત મળ્યા છે. એટલે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમવાર 50 ટકાથી વધુ મત મેળવવામાં સફળ રહી છે. તો સીટની દ્રષ્ટિએ પણ રેકોર્ડ બનાવી દીધો છે.
આ પણ વાંચોઃ બાયડમાં ધવલસિંહની જીત, વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તો કુતિયાણામાં કાંધલ
આપ અને કોંગ્રેસનો ફ્લોપ શો
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના તમામ નેતાઓ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરતા હતા. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ લાગી રહ્યું છે કે તેમના તમામ દાવાઓ ગુજરાતની જનતાએ નકારી દીધા છે. કોંગ્રેસની સ્થિતિ તો એવી થઈ છે કે તેને વિપક્ષનો દરજ્જો મળે તે પણ લાગતું નથી. જ્યારે આપના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા સહિત અનેક નેતાઓની હાર થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube