ડાકોર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન 14મી ડિસેમ્બરે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડા જિલ્લાના ડાકોરમાં આજે પહેલી જનસભાને સંબોધન કર્યું. જનસભાને સંબોધન કરતા પહેલા તેમણે પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં પૂજા અર્ચના કરી. જનતાને સંબોધનમાં તેમણે એક બાજુ જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યાં ત્યાં પોતાની જ પાર્ટીના લોકોને સમજી વિચારીને બોલવાની સલાહ પણ આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે ગત વર્ષે બધાને લાઈનમાં ઊભા રાખી દીધા. તેમણે જનતાને પૂછ્યું કે બેન્કોની બહાર લાઈનમાં કોઈ સૂટ બૂટ પહેરેલા માણસને જોયા, કોઈ ઉદ્યોગપતિ કે કારોબારીને લાઈનમાં ઊભેલા ઉભા રહીને નોટો બદલાવતા જોયા? તેમણે આરોપ લગાવ્યો કે નોટબંધી તો ઊદ્યોગપતિના કાળા નાણાને સફેદ કરવાનું માધ્યમ હતી. તેમણે કહ્યું કે દેશના તમામ મોટા ચોરોના કાળા નાણાને મોદીજીએ સફેદ કરી નાખ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે નોટબંધીના મારના કારણે નાના ઉદ્યોગ ધંધાઓ મંદ પડી ગયા હતાં. ત્યાબાદ જીએસટી લાગુ કરી દેવામાં આવતા સાવ ખતમ થઈ ગયાં. તેમણે કહ્યું કે ગુજરાતનો કારોબાર નોટબંધી અને જીએસટીના કારણે લગભગ બરબાદ થઈ ગયો છે. મણિશંકર ઐય્યરની ટિપ્પણી પર તેમણે પાર્ટીના નેતાઓને સલાહ આપતા કહ્યું કે કોંગ્રેસ સંસ્કારવાળી પાર્ટી રહી છે. કોઈનું અપમાન કરવું પાર્ટીની પરંપરા નથી. આ માટે વડાપ્રધાન વિશે મીઠા શબ્દોથી ટિપ્પણી કરો. 


અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે 14મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે 9મી ડિસેમ્બરે શનિવારના રોજ મતદાન થયું હતું. સરેરાશ 68 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીના પરિણામ 18મી ડિસેમ્બરે જાહેર થશે. તે જ દિવસે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે.